અમદાવાદ,
શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં 10મું સ્કિન ડોનેશન કરવામાં આવ્યું હતું જેમાં ઘરે જઇને સ્કિન ડોનેશન મેળવવામા આવ્યું હોવાનો આ ચોથો કિસ્સો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 10 સ્કિન દાન થયા છે, જેમાંથી કેટલાક લોકોની સ્કિનમાં નવો જીવ આવ્યો છે. લોકો અંગદાન તો કરતા હોય છે પરંતુ હવે સ્કિન દાનની જાગૃતતા જરૂરી છે.
સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદે દ્વારા આ બાબતે વિગતો આપતા જણાવેલ કે, તા.19/03/2025ના રોજ રાત્રે 12 કલાકે સિવિલ હોસ્પિટલના સ્કિન બેંકના હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો હતો. પારેવડા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં 97 વર્ષના ચંપાબેન નારાયણભાઇ પટેલ અવસાન પામતા તેમના દીકરા કિરીટભાઇની સંમતિથી સ્કિન ડોનેશન માટે કૉલ આવતાં તરત જ સ્કીન બેંકના ડોક્ટરોની ટીમ દાતાના ઘરે પહોંચી બરડાના ભાગેથી ચામડી મેળવી હતી. આ સાથે તારીખ 18/03/2025ના રોજ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં દાખલ એક દર્દીને સ્કીન બેંકમાં આ રીતે મળેલ ત્વચાનો ઉપયોગ કરી તેના ઘા ની પ્લાસ્ટીક સર્જરી કરવામાં આવી હતી.
ડૉ. સચદે દ્વારા આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, દાનમાં મળેલ ચામડી બાયોલોજીકલ સ્કીન ડ્રેસિંગ તરીકે કામ કરે છે અને આગળ જતા બીજાની લગાવેલ ચામડી નીકળી જાય છે અને કુદરતી રીતે ફરીથી નવી ચામડી બનવાનો સમય મળી રહે છે. દાઝ્યા બાદ શરૂઆતના સમયમાં થતા શરીરમાંથી પ્રોટીન (Protain) વહી જવાના તેમજ ચેપ લાગવાના કોમ્પ્લીકેશનને અટકાવી શકાય છે.
સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્કીન બેંક ખુલ્યા બાદ અત્યાર સુધીમાં થયેલ આ 10 મું સ્કીન દાન છે તેમજ ઘરેથી મેળવેલ 4થું સ્કીન દાન છે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યું હતુ.