ગાંધીનગર,
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, યુવાનો એ દેશનું ભવિષ્ય છે. ગુજરાતનાં યુવાનોમાં રમત પ્રત્યે જાગૃતિ આવે, રમતના કૌશલ્યો વિકસે, ખેલદિલીની ભાવના વધુ દ્રઢ થાય, યુવાનો ઓજસ્વી, તેજસ્વી અને બળવાન બને તે માટે રાજ્ય સરકાર સદાય પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના મંત્રને લઇ છેલ્લા ૨ વર્ષોમાં, ગુજરાત રાજ્યએ રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરીને અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ગત વર્ષના સાપેક્ષે રૂ.૨૫૦ કરોડ એટલે કે ૪૧ ટકા વધારે બજેટ ફાળવવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇનો મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગુજરાતમાં ‘સ્પોર્ટ્સ એ જ પ્રોફેશન’નો કોન્સેપ્ટ વિકસી રહ્યો છે. ગુજરાતના યુવાનો તંદુરસ્ત અને મનદુરસ્ત બને તે માટે રાજ્ય સરકાર સદૈવ પ્રયાસરત છે, આ માટે રાજ્ય સરકાર દ્વારા સ્પોર્ટ્સ પોલીસી અમલમાં મૂકવામાં આવી છે. એક સમયે એવું કહેવાતું હતું કે ગુજરાતીઓને રમતમાં શું ખબર પડે. પરંતુ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમે સતત પરિશ્રમ કરતા રહ્યા અને પરિણામ આપણા સૌની સામે છે. પહેલા રમત ગમત ક્ષેત્રે મેડલ મેળવ્યાનાં આંકડાઓ માત્ર સિંગલ ડીજીટમાં હતા. છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં રાજયના ખેલાડીઓએ વ્યક્તિગત અને ટીમ સ્પર્ધાઓમાં ૨૨૫ ગોલ્ડ, ૨૪૪ સિલ્વર અને ૩૩૯ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૮૦૮ મેડલ મેળવ્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ૨૬ ગોલ્ડ, ૪૦ સિલ્વર અને ૩૮ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૧૦૪ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
મંત્રીશ્રીએ ડાંગ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારની ખેડૂત પુત્રી ઓપીના ભીલારની સિધ્ધિ ને ટાંકીને કહ્યુ કે, સુબીર તાલુકાના બીલીઆંબા ગામની વતની ઓપીના ભીલારની રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪ ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન પ્રક્રિયા થકી જીલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કુલમાં યંગ ટેલેન્ટ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી હતી. ખો ખો રમતમાં આજે પણ તે તાપી ખાતે ખો ખો રમતની તાલીમ લઈ રહી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી ખો ખો રમતમાં આ ખેલાડીએ ૧૪ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને તેમાં તેણે કુલ ૦૫ રાષ્ટ્રીય કક્ષાના મેડલ મેળવ્યા છે. સામાન્ય આદિવાસી ખેડૂત પરિવારની દીકરી તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી પ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં પસંદગી પામી અને તમામ મેચોમાં રમીને ભારતને ગોલ્ડ મેડલ અપાવીને રાજ્ય તથા દેશનું ગૌરવ વધાર્યું છે.
મંત્રીશ્રીએ વિવિધ મહત્વની યોજનાઓ અને ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ થકી રાજ્યમાં રમત- ગમતની પ્રવૃત્તિઓના કરવામાં આવી રહેલા વિકાસની વિગતો આપતા કહ્યુ કે, આ નાણાંકીય વર્ષ દરમિયાન ખેલમહાકુંભ, સેન્ટર ઓફ એક્સલન્સ, શક્તિદૂત યોજના, શિક્ષણ સાથે રમતના સમન્વય માટેની યોજનાઓ જેવી કે ઈનસ્કૂલ, ડીસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ પ્રતિભા સંવર્ધન કેન્દ્ર યોજના અંતર્ગત કાર્યરત રાજ્યકક્ષાની એકેડમીઓ, સમર કોચિંગ કેમ્પ અને પ્રિનેશનલ કોચીંગ કેમ્પ, ખેલે ગુજરાત ડીસ્ટ્રીક સેન્ટર, જીલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોલેજ, ખેલપ્રતિભા પુરસ્કાર, મહિલા ખેલાડીઓને પુરસ્કાર, દિવ્યાંગ ખેલાડીઓ માટેની વિવિધ મહત્વની યોજનાઓ અને ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ થકી રાજ્યમાં રમતગમતની પ્રવૃત્તિઓનો ખુબ ઝડપી વિકાસ થશે.
ખેલ મહાકુંભ અંગે મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી. જેના થકી રાજ્યના ગામડાઓમાં રહેલા ટેલેન્ટને પ્રસ્થાપિત કરવાનો અવસર મળ્યો. ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ સુત્ર હવે સાકાર થયું છે. વર્ષ ૨૦૧૦માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરાયેલો ખેલ મહાકુંભ આજે વટવૃક્ષ બની ગયું છે. વર્ષ ૨૦૧૦માં ૧૬ રમત અને ૧૬.૫૦ લાખ ખેલાડીઓ સાથે શરૂ થયેલો ખેલ મહાકુંભ આજે વર્ષ ૨૦૨૪માં ૩૯ રમત સહિત ૫૦ પેરા રમતોમાં ૭૧ લાખથી વધુ ખેલાડીઓની સહભાગીતા જોવા મળી છે. આ આંકડો જ આ યોજનાનું અને ગુજરાત સરકારનું સામર્થ્ય દર્શાવે છે. ખેલ મહાકુંભને શરુ થયે ૧૪ વર્ષ થયા છે. બદલાતા યુગની સાથે પરિવર્તન કરીને અમે ખેલ મહાકુંભની નવી આવૃતિ ખેલ મહાકુંભ ૩.૦ નો પ્રારંભ કર્યો છે. ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પે. ખેલ મહાકુંભમાં નવી ૧૭ કેટેગરીનો ઉમેરો કરી નવી ૨૫ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો. હવે દિવ્યાંગ ખેલાડીઓ પણ રાજ્ય સરકારની સર્વસમાવેશી નીતિનો સુખદ અનુભવ કરી શકશે. એટલુ જ નહિ, તાજેતરમાં જ દેશના ગૃહ અને સહકારીતા મંત્રીશ્રીના વરદહસ્તે ગાંધીનગર ખાતે નિર્માણાધીન પેરા હાઇ પર્ફોર્મન્સ સેન્ટરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું. રૂ.૩૧૬ કરોડના ખર્ચે તૈયાર થનાર આ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર દિવ્યાંગ ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, ગુજરાત સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ લાવનાર રાજ્ય જ નહિ, સૌથી વધુ નેશનલ/ઇન્ટર નેશનલ ગેમ્સ આયોજીત કરનાર રાજ્ય પણ છે. ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદનો એક સ્પોર્ટીંગ હબ તરીકે વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત એ રાજ્યકક્ષાના એસોસીએશન અને રાષ્ટ્રકક્ષાના ફેડરેશન સાથે મળીને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેગા કોમ્પીટીશન/ટૂર્નામેન્ટનું આયોજન ગુજરાતમાં થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક જ વર્ષમાં ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યુ છે.
મંત્રીશ્રીએ કહ્યુ કે, ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ સારી પર્ફોર્મન્સ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શક્તિદૂત યોજના કાર્યરત છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં શક્તિદૂત ૨.૦ યોજના એક નવા વિઝન સાથે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના થકી દિવ્યાંગ ખેલાડીઓને પણ સહાય મળશે. પ્રતિ ખેલાડી વાર્ષિક રૂપિયા ૩૦ લાખ સુધીની સહાય આપવામાં આવશે. અગાઉ ખેલાડી ૧૨ વર્ષનો થાય ત્યારે જ આ યોજનાનો લાભ મળતો હતો પરંતુ હવે ખેલાડી ૯ વર્ષનો હશે અને રાષ્ટ્રીય કક્ષાએ તેનું પ્રદર્શન સારું હશે તો તેને પણ આ યોજનાનો લાભ મળી શકશે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ રૂપિયા ૨.૫૫ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે .
સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે મંત્રીશ્રીએ કહ્યુ કે, હાલમાં ૨૩ જિલ્લા રમત સંકુલ તથા ૫ તાલુકા રમત સંકુલ કાર્યરત છે તેમજ રૂપિયા ૩૭૦.૦૦ કરોડના ખર્ચે ૧૩ જિલ્લા રમત સંકુલ તથા ૧૯ તાલુકા રમત સંકુલના નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે. તે ઉપરાંત ગત વર્ષે તાપી જિલ્લામાં વ્યારા ખાતે જીલ્લા રમત સંકુલમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ, ટેનીસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ તથા રમત સંકુલ, અત્યાધુનિક વડનગર રમત સંકુલ અને પાટણ ખાતે તૈયાર થયેલુ સિન્થેટિક એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંગે મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, છેલ્લા એક વર્ષમાં યોગ બોર્ડ દ્વારા ૩૫૦ યોગ કોચ તથા ૩૨૩૫૦ યોગ ટ્રેનરોને તાલીમ આપવામાં આવી. ચાલુ વર્ષે ૧૪૦૦ નવા યોગ કેન્દ્રો શરૂ થયા તે સાથે કુલ કાર્યરત યોગ કેન્દ્રો ૩૨૫૫ થયા છે. ગુજરાત એ સમૃદ્ધ હોવાની સાથે ડાયાબિટીસનું પ્રમાણ પણ ખૂબ વધુ છે ત્યારે ડાયાબિટીસમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ૪૧ સ્થળોએ ૧૫ દિવસીય ડાયાબીટીસ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
લોકમેળા આપણો સાંસ્કૃતિક વારસો છે અને તેની જાણવણી માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. મંત્રીશ્રીએ જણાવ્યુ કે, ગુજરાતના લોકમેળાઓને જીવંત કરવા માટે આ બજેટમાં વિશેષ રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ મેળો એ મેળો નથી હોતો પણ મેળા સાથે આખી ઈકોનોમી સંકળાયેલી હોય છે એટલે મેળાને પુનર્જીવિત કરવા આ બજેટમાં રૂપિયા ૫ કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
લાયબ્રેરી અંગે મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઇ શાહે દિવાળી બાદ નવા વર્ષની શરૂઆત લાયબ્રેરી સંચાલકો, ગ્રંથપાલો સાથે સંવાદ યોજીને કરી હતી. તેમજ વર્ષ ૨૦૪૭માં વિકસીત ભારત બનાવવા માટે વાંચન તેમજ લાયબ્રેરીની ભૂમિકા અંગે વાત કરી હતી. હાલમાં ગુજરાતમાં કુલ ૩૩ જીલ્લાકક્ષાની ૯૧ તાલુકાકક્ષાની ૩૨૪૭ અનુદાનિત તેમજ અન્ય મળી કુલ ૩૩૮૫ લાયબ્રેરી કાર્યરત છે. ગ્રંથાલય પ્રવૃત્તિઓ માટે સરકારે રૂપિયા ૧૨૦ કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે.
મંત્રીશ્રીએ ગુજરાત સાહિત્ય અકાદમી અંગે જણાવ્યુ કે, તા.૨૧ ફેબ્રુઆરીએ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિશ્વ માતૃભાષા દિવસે ૩૬૫ સ્થળોએ ‘માતૃભાષા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત ગુજરાતમાં એક જ સપ્તાહમાં દરેક તાલુકામાં ૩૬૫ સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ગામે- ગામ માતૃભાષા પ્રેમનું વાતાવરણ રચાયું. આ ઐતિહાસિક પ્રયોગ હતો. તે ઉપરાંત ‘મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં અભિયાન’માં હજારો લોકોએ ભાગ લઈ પોતાના હસ્તાક્ષર માતૃભાષામાં કરવાનો સંકલ્પ લીધો હતો.