શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં 10થી વધુ સ્થળો પર એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં આતંકવાદી જૂથોના સમર્થકો અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સના રહેઠાણનો સમાવેશ થાય છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા સરહદ પારથી થતી ઘૂસણખોરીની તપાસના સંદર્ભમાં 10થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા.
લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના સક્રિય આતંકવાદીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા (LoC) દ્વારા ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવામાં આવી રહી હોવાની માહિતીના આધારે ફેડરલ એજન્સીએ ગયા વર્ષે 24 ઓક્ટોબરે ઘૂસણખોરીની ઘટનાઓના સંદર્ભમાં કેસ નોંધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. આ એન્કાઉન્ટર જાચલદરા વિસ્તારના ક્રુમહુરા ગામમાં થયું હતું. ઉપરાંત, ભારતીય સેના, પોલીસ અને CRPF એ બાંદીપોરા જિલ્લાના ગાંડાબલ-હાજિન રોડ પરથી બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી. શંકાસ્પદોના કબજામાંથી 1 પિસ્તોલ, 1 પિસ્તોલ મેગેઝિન, 2 હેન્ડ ગ્રેનેડ, 1 એકે મેગેઝિન, દારૂગોળો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.