નાગપુર,
મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવાર રાત્રે ભડકી ઉઠેલી હિંસાના માસ્ટરમાઈન્ડની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસે ફહીમ શમીમ ખાનને નાગપુર હિંસાના કેસમાં માસ્ટરમાઈન્ડ ગણાવ્યા છે.
ફહીમ ખાન, જે માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના નાગપુર શહેર પ્રમુખ છે, તેને 21 માર્ચ, 2025 સુધી પોલીસ કસ્ટડી (Police Custody) માં રાખવામાં આવ્યો છે. આ હિંસાના કેસમાં તેનું નામ પોલીસની FIR માં અન્ય આરોપીઓ સાથે સામેલ કરવામાં આવ્યું છે. ફહીમ ખાન (Fahim Khan) ની રાજકીય પૃષ્ઠભૂમિ પણ નોંધપાત્ર છે, કારણ કે તેણે ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી સામે નાગપુરથી લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણીઓ લડી હતી. જોકે, આ બંને ચૂંટણીઓમાં તે નિષ્ફળ રહ્યો અને તેની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી.
પોલીસે અત્યાર સુધીમાં આ હિંસાના સંબંધમાં ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 6 FIR નોંધી છે અને 51 લોકોની ધરપકડ કરી છે. કુલ 1250 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 100 થી 200 લોકોની ઓળખ પણ સ્થાપિત થઈ ચૂકી છે. આ હિંસાની શરૂઆત 17 માર્ચ, 2025ના રોજ થઈ, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર હટાવવાની માંગણી સાથે એક પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન નાગપુરમાં એક અફવા ઝડપથી ફેલાઈ ગઈ કે ધાર્મિક પ્રતીકો ધરાવતી ચાદરને આગ લગાવી દેવામાં આવી છે. આ અફવાને કારણે લોકોમાં રોષ ફેલાયો અને વિરોધ પ્રદર્શનો શરૂ થયા. જોકે, આ પ્રદર્શનો ટૂંક સમયમાં હિંસક બની ગયા. હિંસા દરમિયાન ઘણાં વાહનોને આગ લગાવી દેવામાં આવી, જેના પરિણામે અનેક પોલીસકર્મીઓ અને સામાન્ય નાગરિકો ઘાયલ થયા.
પોલીસે નાગપુર હિંસા મામલે 50 લોકોની ધરપકડ કરી છે. 100થી વધુ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. જે હિંસામાં સામેલ આરોપીઓની શોધ કરી રહી છે. દાવો થઈ રહ્યો છે કે, અભિનેતા વિકી કૌશલની છાવા ફિલ્મના કારણે લોકોમાં ઔરંગઝેબ વિરૂદ્ધ રોષ ભભૂક્યો હતો. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબને સારા શાશક ગણાવ્યા હતા. બીજી તરફ વિહિપ અને બજરંગદળ દ્વારા ઔરંગઝેબની કબર તોડી પાડવાની માગ પર થઈ રહેલા દેખાવો પર અફવા ફેલાતાં હિંસા ફાટી નીકળી હતી.