
અમદાવાદ,
હોળી પર્વની રાત્રે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનાં ટોળા દ્વારા જાહેરમાં તોફાન કરી લોકોને હેરાન કર્યા હતા. આ કેસમાં પોલીસ દ્વારા બે ફરાર આરોપીઓની ઝડપી ને કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટે આ બન્ને આરોપીઓના 6 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પહેલા 13 આરોપીઓને ચાર દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતાં આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો કે, પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માગ ન કરાતા કોર્ટે આરોપીઓને જયુડિશયલ કસ્ટડી મોકલવાનો આદેશ કર્યો છે.
આ કેસમાં અત્યાર સુધીમાં એક સગીર સહિત કુલ 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજું પણ મુખ્ય આરોપી સહિતનાં અન્ય આરોપીઓ ફરાર હોવાથી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તેમની શોધખોળ કરાઈ રહી છે. ધરપકડ કરાયેલ આરોપીઓ પૈકી 17 વર્ષીય એક કિશોરને નજરકેદ કરીને તેના પિતાની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી છે, બાદમાં જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરાયો હતો. નોંધનીય છે કે, આજે જ્યારે આરોપીઓને કોર્ટમાં લઈ જવાતા હતા ત્યારે કોર્ટ બહાર હાજર લોકો દ્વારા ‘ગુજરાત પોલીસ જિંદાબાદ’ નાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.