આગામી મહિનાઓમાં ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે; ગૃહ વિભાગ અને ચૂંટણી પંચની બેઠકમાં લેવાયો નિર્ણય 

સોશિયલ મીડિયા પર શેર કરો

નવી દિલ્હી,

આવનારા સમયમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને લિંક કરવામાં આવશે, જેના માટે તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. ચૂંટણી પંચ દ્વારા કલમ 326, RP એક્ટ, 1950 અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર બંધારણીય દાયરામાં EPICને આધાર નંબર સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આ બાબતે ચૂંટણી પંચ અને યુઆઇડીએઆઈ ના નિષ્ણાતો વચ્ચે ટૂંક સમયમાં ટેકનિકલ પરામર્શ શરુ થશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશ્નરે ચૂંટણી કમિશ્નર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી સાથે આજે(18 માર્ચ, 2025) કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રાલયના સચિવ, યુઆઇડીએઆઈ ના સીઇઓ અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે તેના મુખ્ય મથક નિર્વાચન સદન ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી.

ભારતીય બંધારણના અનુચ્છેદ 326 મુજબ, મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય છે. જ્યારે આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે. તેથી, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે EPICને આધાર સાથે લિંક કરવાનું ફક્ત બંધારણની કલમ 326, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 23(4), 23(5) અને 23(6) અને WP (સિવિલ) નં. 177/2023 માં સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર જ કરવામાં આવશે.

મહત્વનું છે કે, આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના (UBT), NCP (SCP) અને BJD જેવા અનેક રાજકીય પક્ષોએ મતદારોના EPIC નંબર સમાન હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. કમિશને સ્વીકાર્યું કે કેટલાક રાજ્યોમાં ખામીયુક્ત આલ્ફાન્યૂમેરિક શ્રેણીને કારણે ભૂલથી સમાન નંબરો ફરીથી જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ આને છેતરપિંડી કહી શકાય નહીં. હવે કમિશને આ મુદ્દાનો નક્કર ઉકેલ શોધવા માટે સક્રિય પગલાં લીધાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *