અમદાવાદ,
ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન દ્વારા અમદાવાદ ખાતે ‘વંદે આયુકોન-૨૦૨૫’માં ઉપસ્થિત વૈદ્યોને સંબોધન કરતાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આયુર્વેદ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે.
મંત્રીશ્રી પટેલે કહ્યું કે આપણાં ઘરના રસોડામાં રહેલો મસાલાનો ડબ્બો પણ આયુર્વેદનો ખજાનો જ છે. આયુર્વેદનો ઇતિહાસ ખૂબ જૂનો છે અને એટલે આયુર્વેદના ચિકિત્સકોએ તેમને ડૉક્ટર તરીકે ઓળખાવવાના બદલે વૈદ્ય તરીકે ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ તેમ તેમણે સૂચવ્યું હતું.

આયુર્વેદ શબ્દનું મહત્ત્વ સમજાવતાં મંત્રીશ્રીએ કહ્યું કે આયુ એટલે ઉંમર અને વેદ એટલે વિજ્ઞાન. આ દૃષ્ટિએ આયુર્વેદ એ માત્ર રોગોના નિદાન માટે જ નહીં, પરંતુ જીવન જીવતાં શીખવે છે. આ એક એવું વિજ્ઞાન છે, જે સાઇડ ઈફેક્ટ વિના સારવાર આપે છે.
તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યોગ અને આયુર્વેદને વિશ્વ સ્તરે પહોંચાડ્યું છે – આયુર્વેદ અને યોગને બ્રાન્ડ બનાવ્યાં છે. વડાપ્રધાનશ્રી દ્વારા પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ ઝૂંબેશનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે આયુર્વેદ પણ એક મા છે. તેના પ્રત્યે વિશ્વાસ વધારવાની જવાબદારી સૌ આયુર્વેદ ચિકિત્સકોની છે તેમ તેમણે ઉમેર્યું હતું.