થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27% OBC અનામત સમાંતર લાભનો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો 

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27% ઓબીસી અનામત સમાંતર લાભનો મામલો હવે પહોંચ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં, આ મુદ્દે હાઇકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ નોટિસ આપીને આ મુદ્દા પર જવાબ પર માગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી કમિશન, રાજ્ય સરકાર, લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર ડિપાર્ટમેન્ટ અને પંયાયતી રાજ અને ગ્રામ્ય-શહેરી વિકાસ વિભાગને નોટિસ ફટકારી છે. ઓબીસી કમિશનનાં રિપોર્ટમાં ભલામણોનું પાલન ન થતું હોવાનો દાવો કરાયો છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 27% OBC અનામત મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં જ્ઞાતિની સંખ્યાનાં આધારને ધ્યાને લીધા વિના સમાંતર 27% અનામતની જોગવાઈ સુપ્રીમકોર્ટનાં હુકમનો તિરસ્કાર હોવાની રજૂઆત કરાઈ હતી. સાથે જ જસ્ટિસ ઝવેરીના વળપણ હેઠળ નિમાયેલ ઓબીસી કમિશનનાં રિપોર્ટની ભલામણોનું પાલન ન થતું હોવાનો પણ દાવો કરાયો છે.

આ કેસમાં અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીમાં જણાવ્યું હતું કે, જનરલ કેટેગરીની સંખ્યા વધુ હોય અથવા ઓબીસીની સંખ્યા વધુ હોય તેવી બંને સ્થિતિમાં 27% નું સમાંતર રિઝર્વેશન એ લોકોનાં હિતમાં નથી. રાજ્યમાં ઓબીસીની વસ્તી 27% થી વધુ હોય તેવા સંજોગોમાં માત્ર 27 % નું અનામત યોગ્ય નહીં હોવાની પણ અરજીમાં રજૂઆત કરાઈ છે. વિગતવાર તમામ દલીલોને અંતે હાઈકોર્ટે નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી કમિશન, રાજ્ય સરકાર, લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર ડિપાર્ટમેન્ટ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, પંચાયતી રાજ અને ગ્રામ્ય અને શહેરી વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *