ઉજ્જૈન
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના ગૃહનગર ઉજ્જૈનમાં, ગૌહત્યાના આરોપીઓનું પોલીસ દ્વારા જાહેર સરઘસ કાઢવામાં આવ્યું. આ દરમિયાન ધરપકડ કરાયેલા આરોપીઓએ અનોખા સૂત્રોચ્ચાર કર્યા – “ગાય આપણી માતા છે અને પોલીસ અમારા બાપ છે!”. ગયા મહિને ૧૬-૧૭ તારીખે, પોલીસને બાતમી મળી કે જેઠલ વિસ્તારમાં ત્રણ શખ્સ ગાયની કતલનો પ્રયાસ કરી રહ્યા છે. દરોડા દરમિયાન ત્રણ આરોપી – શેરુ, આકિબ અને સલીમ – બલેનો કારમાં ભાગી ગયા. પોલીસએ તેમની સામે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી. બાતમીના આધારે આકિબ અને સલીમની ધરપકડ કરવામાં આવી, જ્યારે મુખ્ય આરોપી શેરુ હજુ પણ ફરાર છે. પોલીસ રેકોર્ડ મુજબ, સલીમ વિરુદ્ધ ઉજ્જૈન, દેવાસ, શાજાપુર અને ઇન્દોરમાં ૨૪ ગુનાહિત કેસ નોંધાયેલા છે, જ્યારે આકિબ વિરુદ્ધ 4 કેસ નોંધાયા છે. પોલીસ હાલ ફરાર આરોપી શેરુના રેકોર્ડની પણ તપાસ કરી રહી છે. પોલીસે ફરાર આરોપીને પકડવા માટે તપાસ તીવ્ર કરી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડની શક્યતા છે. ઉજ્જૈનમાં આ ઘટના અંગે સ્થાનિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને વહીવટી તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતર્ક છે.