ઢાકા,
પડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર શાંતિ ભંગ થવાનો મામલો સામે આવ્યો છે જેમાં, અમુક ગુસ્સે થયેલા લોકો દ્વારા એર ફોર્સ બેઝ પર હલ્લાબોલ કર્યું અને હુમલો પણ કર્યો હતો. આ ઘટના બાબતે મળતા અહેવાલો મુજબ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે છ લોકોને ઈજા થઈ છે.
એર ફોર્સ બેઝ પર હુમલો થયા બાદ સ્થિતિ વણસી છે અને સેનાના જવાનો સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. બાંગ્લાદેશના સશસ્ત્ર દળના જનસંપર્ક વિભાગ અને ઈન્ટર-સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (ISPR)એ સત્તાવાર પ્રેસ રિલિઝ કરીને કહ્યું કે, સમિતિ પારા વિસ્તારમાં બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે અહીં અથડામણ ચાલી રહી છે અને સ્થિતિ વણસી જતા વધુ કાફલો ખડકવામાં આવ્યો છે.
આ ઘટના બાબતે બાંગ્લાદેશી મીડિયાના અહેવાલો મુજબ, હુમલાખોરોએ હુમલો કેમ કર્યો, તેઓનો ઈરાદો શું હતો અને હુમલાખોરો કોણ હતા, તેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. મૃતકની ઓળખ શિહાબ કબીર તરીકે થઈ છે. કબીરનું મોત ગોળી વાગવાથી થયું છે, જેમને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સદર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોએ કબીરને મૃત જાહેર કર્યો છે.