રાજસ્થાન પોલીસે 20 કિલો 820 ગ્રામ બ્રાઉન સુગર ક્રૂડ જપ્ત કરી; ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી

સોશિયલ મીડિયા પર શેર કરો

પ્રતાપગઢ,

રાજસ્થાન પોલીસ દ્વારા ડ્રગ્સ તસ્કરો સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પ્રતાપગઢ પોલીસે દાણચોરો સામેની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે અને કરોડોની કિમતનું બ્રાઉન સુગર ક્રૂડ ઝડપી લીધું છે, તેમજ પોલીસે ત્રણ દાણચોરોની પણ ધરપકડ કરી છે. રાજસ્થાન પોલીસ દ્વારા આ કાર્યવાહીમાં 20 કિલો 820 ગ્રામ બ્રાઉન સુગર અને દાણચોરી માટે ઉપયોગમાં લેવામાં આવેલી ટ્રક જપ્ત કરવામાં આવી છે. 

આ મામલે પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારી દીપક બંજારાને એક બાતમી મળી હતી કે રથંજણા પોલીસ સ્ટેશન વિસ્તારના પલથણનો રહેવાસી લડુ ઉર્ફે ઘનશ્યામ બૈરાગી, જે હાલમાં શહેરના તિલક નગરમાં રહે છે, તે ડ્રગ્સની દાણચોરીમાં સામેલ છે. સોમવારે, તે તેના ટ્રકમાં મોટી માત્રામાં બ્રાઉન સુગર લાવી રહ્યો છે, બાતમી દ્વારા મળેલ માહિતીની પુષ્ટિ થયા પછી, કોતવાલી પોલીસ સ્ટેશનની સામે નાકાબંધી કરવામાં આવી હતી. તે દરમિયાન મંદસૌર તરફથી એક ટ્રક આવતો જોવા મળ્યો હતો. પોલીસ અધિકારીઓ દ્વારા તેને રોકીને ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનું નામ ઘનશ્યામ બૈરાગી જણાવ્યું હતું. ક્લીનર સીટ પર બેઠેલા વ્યક્તિએ પોતાનું નામ પુષ્કર લાલ મીણા જણાવ્યું હતું. જે બસદનો રહેવાસી છે. વચ્ચે બેઠેલા વ્યક્તિએ પોતાનું નામ પુષ્કર લાલ તેલી જણાવ્યું, જે તેલી ગલીનો રહેવાસી છે અને ટ્રક ચલાવે છે. પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ટ્રક ઘનશ્યામ બૈરાગીની હતી. પોલીસે ટ્રકની તપાસ કરી તો જાણવા મળ્યું કે ડીઝલ ટાંકીમાં અલગ પાર્ટીશન બનાવીને તેને બે ભાગમાં વહેંચવામાં આવી હતી. એક ભાગ ડીઝલથી ભરેલો હતો અને બીજો ભાગ પોલીથીન બેગમાં પદાર્થથી ભરેલો હતો, જેને બહાર કાઢીને તપાસવામાં આવતા તે બ્રાઉન સુગર ક્રૂડ હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસ દ્વારા ટ્રકમાંથી જપ્ત કરવામાં આવેલ 14 થેલીઓમાં પેક કરાયેલા આ ક્રૂડનું વજન કરવામાં આવ્યું, ત્યારે તે 20 કિલો 820 ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયા હોવાનું કહેવાય છે. રાજસ્થાન પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને ત્રણેયની ધરપકડ કરી હતી. આ સાથે દાણચોરી માટે ઉપયોગમાં લેવાતો ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે આ બ્રાઉન સુગર મણિપુરથી લાવી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *