નવી દિલ્હી,
અમેરિકામાં ગેરકાયદે રહેતા ભરાતીયોને પરત મોકલાવી કામગીરી ચાલી રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વધુ 116 ભારતીયોને દેશ પરત મોકલવામાં આવ્યા છે, જેમાં 60 થી વધુ પંજાબના અને 30 થી વધુ હરિયાણાના છે અન્ય લોકો ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. આ ભારતીયોનો બીજો સમૂહ છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તેમને દેશનિકાલ કરવામાં આવ્યા છે.. શનિવારે રાત્રે 11.30 વાગ્યે યુએસ એરફોર્સના વિમાન ગ્લોબમાસ્ટરમાં મહિલાઓ અને બાળકો સિવાય તમામ પુરુષોને હાથકડી પહેરાવીને લાવવામાં આવ્યા હતા. તમામ લોકોની 5 કલાકની ચકાસણી બાદ પોલીસ વાહનોમાં તેમને ઘરે મુકી આવવામાં આવ્યા હતા.
વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, ફ્લાઇટ દરમિયાન તમામ ડિપોર્ટેડ લોકોને ખોરાક અને દવા આપવામાં આવી હતી. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈ જનારા ખાસ વિમાનોના અમૃતસરમાં ઉતરાણ પર રાજકીય તોફાન ઊભું થયું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમૃતસરમાં વિમાનો ઉતારવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી છે.
આ મહિને, 5 ફેબ્રુઆરીના રોજ, 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક અમેરિકન વિમાન પણ અમૃતસરમાં ઉતર્યું હતું. તેમાંથી, હરિયાણા અને ગુજરાતના 33-33 અને પંજાબના 30 હતા. મોટાભાગના દેશનિકાલ કરાયેલા લોકોએ કહ્યું કે તેઓ તેમના પરિવારોને વધુ સારું જીવન પૂરું પાડવા માટે અમેરિકામાં સ્થાયી થવા માંગે છે.