નવી દિલ્હી,
શનિવારે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડને કારણે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ 13 અને 14 પર બની હતી, જ્યારે હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે તેમની ટ્રેનોમાં ચઢવા માટે એકઠા થયા હતા. દિલ્હીના LG વીકે સક્સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં મૃત્યુની પુષ્ટિ કરી છે.
દિલ્હી ફાયર સર્વિસને ઇમરજન્સી કોલ મળ્યો અને તાત્કાલિક 4 ફાયર એન્જિન નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રવાના કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. રેલવે પોલીસ અને દિલ્હી પોલીસે ઘાયલોને એલએનજેપી અને લેડી હાર્ડિંગ હોસ્પિટલમાં દાખલ કર્યા. રેલવે અધિકારીઓએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડ અને અંધાધૂંધીને કારણે ભાગદોડ મચી હોવાના દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે હજારો ભક્તો મહાકુંભમાં જવા પ્લેટફોર્મ પર એકઠા થયા પછી આ ઘટના બની હતી.

આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ જીવ ગુમાવનારાઓમાં 9 મહિલાઓ, 5 બાળકો અને 4 પુરુષોનો સમાવેશ થાય છે.
આ ઘટના બાદ ઘાયલોને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું, ‘નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગથી હું દુઃખી છું.’ જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. અધિકારીઓ ભાગદોડથી પ્રભાવિત થયેલા તમામ લોકોને મદદ કરી રહ્યા છે.
રેલવે બોર્ડમાં માહિતી અને પ્રચારના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે રવિવારે જણાવ્યું હતું કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ કેસની તપાસ કરવા અને ઘટનાના કારણો શોધવા માટે બે સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.

આ ઘટના બાબતે એક પ્રત્યક્ષદર્શીએ અંધાધૂંધીનું વર્ણન કરતાં જણાવ્યું કે, ટ્રેનનું પ્લેટફોર્મ બદલવાની જાહેરાત બાદ બંને બાજુથી ભીડ આવી ગઈ, જેના કારણે નાસભાગ મચી ગઈ. “ભીડને નિયંત્રિત કરવા માટે કોઈ નહોતું… એવી જાહેરાત કરવામાં આવી હતી કે પ્લેટફોર્મ નંબર 12 પર આવતી ટ્રેન હવે પ્લેટફોર્મ નંબર 16 પર આવશે. તેથી, ભીડ બંને બાજુથી આવી ગઈ અને ત્યાં નાસભાગ મચી ગઈ… કેટલાક લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.