માઘી પૂર્ણિમાના પવિત્ર સ્નાન પછી શ્રદ્ધાળુઓ કોઈપણ વિલંબ વિના ઘરે પાછા ફરે તે સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવે દિવસ-રાત કામ કરી રહી છે: શ્રી અશ્વિની વૈષ્ણવ
પ્રયાગરાજ ,
કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે સીઇઓ અને સીઆરબી શ્રી સતીશ કુમાર સાથે રેલવે ભવન ખાતે વોર રૂમમાં પ્રયાગરાજ રેલવે સ્ટેશનોની ભીડના વ્યવસ્થાપનની સ્થિતિની સમીક્ષા કરી હતી. યાત્રાળુઓ માટે તમામ દિશામાં ટ્રેનો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા મંત્રીશ્રીએ અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો હતો કે, પ્રયાગરાજ ડિવિઝનને નિર્ધારિત વિસ્તારોમાં મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવાની સાથે-સાથે મુસાફરોની ભીડને હળવી કરવા માટે જરૂરિયાત મુજબ વધારાની ટ્રેનો દોડાવવાની સૂચના આપવામાં આવી છે.
મહાકુંભ રેલવે ઇન્ફર્મેશન બુલેટિન અનુસાર, તા. 12 ફેબ્રુઆરી 2025 સાંજે 6:00 વાગ્યા સુધીમાં, મુસાફરોની સુવિધા માટે 225 ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાં 12.46 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. 11 ફેબ્રુઆરી 2025, મંગળવારે 343 ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં 14.69 લાખથી વધુ મુસાફરો હતા. ભારતીય રેલવે દ્વારા વિવિધ ચેનલો દ્વારા ટ્રેનોને લગતી માહિતી સતત પૂરી પાડવામાં આવી રહી છે – જેમાં સ્પેશ્યલ બુલેટિન, મહાકુંભ એરિયા હોલ્ડિંગ ઝોન, રેલવે સ્ટેશનો, સોશિયલ મીડિયા અને અન્ય મીડિયા આઉટલેટ્સનો સમાવેશ થાય છે.
મુસાફરોની સુવિધા માટે પ્રયાગરાજ જંકશન રેલવે સ્ટેશન નજીક ચાર હોલ્ડિંગ એરિયા (દરેકની ક્ષમતા 5,000ની છે) સંપૂર્ણપણે કાર્યરત થઈ ગઈ છે. આ ઉપરાંત માઘી પૂનમ નિમિત્તે ખુસરોબાગ ખાતે આજે 100000 મુસાફરોની ક્ષમતા ધરાવતો નવો હોલ્ડિંગ એરિયા કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં રહેવાની, જમવાની અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી રાહ જોઈ રહેલા મુસાફરો તેમની ટ્રેનોમાં ચઢે ત્યાં સુધી આરામથી રહી શકે.
તમામ મુસાફરોને માત્ર સત્તાવાર સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવવા અને કોઈપણ અપ્રમાણિત અહેવાલો અને ગેરમાર્ગે દોરતી માહિતી ટાળવાની સલાહ આપવામાં આવે છે.