ડોડા એન્કાઉન્ટરમાં કેપ્ટન શહીદ, 4 આતંકવાદી માર્યા ગયાની આશંકા

સોશિયલ મીડિયા પર શેર કરો

નવી દિલ્હી,

રક્ષા મંત્રી રાજનાથ સિંહે, આજે બુધવારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વધી રહેલી આતંકવાદ સંબંધિત ઘટનાઓ પર એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે અથડામણ ચાલી રહી છે. આ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાની 48 રાષ્ટ્રીય રાઈફલ્સના એક કેપ્ટન શહીદ થયા છે. આ જાણકારી સેના દ્વારા આપવામાં આવી છે. સાથે જ અધિકારીઓનું કહેવું છે કે, સુરક્ષા દળોએ ચાર આતંકવાદીને ઠાર માર્યાની વાત છે, પરંતુ તે સંપૂર્ણ તપાસ બાદ સત્તાવાર જાહેર થશે. સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના ડોડા વિસ્તારના શિવગઢ-અસાર બેલ્ટમાં છુપાયેલા આતંકવાદીઓના એક જૂથને ઘેરી લીધું છે. આ સાથે જ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ગાઢ જંગલના કારણે જવાનોને આગળ વધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ, એન્કાઉન્ટર દરમિયાન એક નાગરિક પણ ઘાયલ થયો હતો, જેની સારવાર ચાલી રહી છે. જ્યારે, સૈનિકોએ આતંકવાદીઓની એક એમ-4 રાઇફલ અને 3 બેગ મળી આવી છે. આ એન્કાઉન્ટર ગઈ કાલે પટનીટોપને અડીને આવેલા જંગલ વિસ્તારમાં શરૂ થયું હતું. ભારતીય સેનાએ આ ઓપરેશનને ઓપરેશન અસાર નામ આપ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓ જંગલમાં એક નદી પાસે છુપાયેલા છે. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો છે. સૈનિકોએ રાત્રિ દરમિયાન પણ તેમની સ્થિતિ જાળવી રાખી હતી. દિવસનો પ્રકાશ પડતાં જ ફરી, આતંકવાદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આજે સવારે 7.30 વાગ્યાની આસપાસ ફરીથી સામસામે ગોળીબાર શરૂ થયો હતો.

અહીં, જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઈને ​​દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સંરક્ષણ સચિવ ગિરધર અરમાને, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, સૈન્ય ઓપરેશન્સના મહાનિર્દેશક-લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા અને સુરક્ષાના વડાઓએ હાજરી આપી હતી. સંબંધિત એજન્સીઓના વડાઓ હાજર રહ્યા હતા. આ બેઠક સાઉથ બ્લોકમાં થઈ હતી. આ બેઠક સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા 14 ઓગસ્ટે બની હતી. સ્વતંત્રતા દિવસના અવસર પર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ પહેલા ગત 10 ઓગસ્ટના રોજ અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં બે જવાનો શહીદ થયા હતા અને એક નાગરિક શહીદ થયો હતો. અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા શરૂ કરાયેલ સંયુક્ત ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું હતું. હવલદાર દીપક કુમાર યાદવ અને લાન્સ નાઈક પ્રવીણ શર્માએ અનંતનાગમાં ફરજના સમયે જીવ ગુમાવ્યો હતો. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને ભારતીય સેનાના તમામ રેન્કોએ એન્કાઉન્ટર દરમિયાન જીવ ગુમાવનારા હવાલદાર દીપક કુમાર યાદવ અને લાન્સ નાઈક પ્રવીણ શર્માને શ્રદ્ધાંજલિ આપી હતી. જુલાઈમાં, ગૃહ મંત્રાલય (MHA) એ લોકસભામાં જણાવ્યું હતું કે, આ વર્ષે 21 જુલાઈ સુધી આતંકવાદ સંબંધિત 11 ઘટનાઓ અને 24 આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં નાગરિકો અને સુરક્ષા કર્મચારીઓ સહિત 28 લોકો માર્યા ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *