સાપુતારા,
રાજ્યમાં પ્રવાસનની સાથે સાથે સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન, સાપુતારા ખાતે ‘મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ગત તા. ૨૯ જુલાઈના રોજ ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. જેમાં છેલ્લા ૧૫ દિવસમાં અંદાજે ૧ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
પ્રવાસીઓ ડાંગની સંસ્કૃતિ સાથે પરિચય કેળવે અને સ્થાનિક કલાકારોને પણ વધુ રોજગારી મળી રહે તેવા હેતુથી વિવિધ સ્પર્ધાઓ, મનોરંજક પ્રવૃત્તિઓ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આગામી જન્માષ્ટમીના દિવસે અહી ખાસ દહીં-હાંડી કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવશે.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આર્ટ ગેલેરી અને મોન્સુન થીમ પર સજાવેલ કાર્યક્રમ સ્થળ ખાતે પ્રવાસીઓ વર્ચ્યુઅલ રિઆલિટી ટેકનોલોજી દ્વારા રાજ્યના અન્ય પ્રવાસન સ્થળોની ઝાંખી પણ કરી રહ્યા છે. આ ઉપરાંત પેપર ક્રાફ્ટ, વરલી આર્ટસ અને હેન્ડીક્રાફ્ટ વર્કશોપ તેમજ ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યા છે. સાપુતારા ખાતે આવેલા પ્રવાસીઓ સાપુતારાની આજુબાજુમાં ૧૭ જેટલા મુખ્ય જોવાલાયક સ્થળો ઇકો પોઇન્ટ, ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, ગીરા ધોધ, ગવર્નર હિલ, હાથગઢનો કિલ્લો, મધમાખી કેન્દ્ર, સંગ્રહાલયો, નાગેશ્વર મહાદેવ મંદિર, પૂર્ણા અભયારણ્ય, રોઝ ગાર્ડન, સાપુતારા તળાવ, આદિજાતિ સંગ્રહાલય, સ્ટેપ ગાર્ડન, સનરાઇઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ તેમજ વાંસદા નેશનલ પાર્કની મજા પણ માણી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ‘ચેરાપુંજી’ તરીકે ઓળખાતા સાપુતારામાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ ૨૫૫ સે.મી જેટલો વરસાદ પડે છે જેથી આ પ્રદેશમાં કુદરતી વનરાજી સોળે કલાએ ખીલી ઉઠે છે જે રાજ્ય-રાજ્ય બહારના પ્રવાસીઓને વિશેષ રીતે આકર્ષિત કરે છે. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ફેસ્ટિવલમાં પ્રવાસીઓના આગમનના પરિણામે ડાંગ અને તેના આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકોને રોજગારીની તકો સાથે આવકના સ્ત્રોત વધ્યા છે જેના પરિણામે તેઓના જીવન સ્તરમાં વધુ સુધારો થઈ રહ્યો છે.