નવી દિલ્હી,
દેશના નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોએ ઉત્પાદિત કરેલો તુવેર અને અડદનો તમામ જથ્થો ડાયનેમિક પ્રાઈઝ દ્વારા ખરીદવાનો સરકારે નિર્ણય કર્યો છે. એ.પી.એમ.સી.ના મહત્તમ અને મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઈઝથી જથ્થાની ખરીદી થતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ થશે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
આ યોજનાનો લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોએ નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર આગોતરી નોંધણી કરાવવાની રહેશે. હાલ ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી નાફેડ દ્વારા તુવેર અને અડદની સીધી ખરીદી કરવામાં આવશે અને તેનું ચુકવણું નાફેડ દ્વારા DBTના માધ્યમથી સીધું ખેડૂતોના બેંક ખાતામાં કરવામાં આવશે. ખેડૂતો તુવેર અને અડદનું વધુમાં વધુ વાવેતર કરીને આ યોજનાનો લાભ લેવા, ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.