
યાનમારની ધરા 72 કલાકમાં ચોથી વખત તીવ્ર ભૂકંપથી હચમચી ઉઠી છે. રવિવારે મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલે નજીક ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે. આ વખતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ભૂકંપને પગલે બચાવ કામગીરી યથાવત છે.
મ્યાનમારમાં 7.7 અને પછી 7.2 ની તીવ્રતાના એક પછી એક ભૂકંપ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મ્યાનમાર પહેલાથી જ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું હતું. તે જ સમયે, ભૂકંપ પછી પણ રાહત અને બચાવ કાર્ય યોગ્ય રીતે થઈ રહી નથી. માળખાગત સુવિધાઓ અને રસ્તાઓને થયેલા નુકસાનને કારણે રાહત સામગ્રી સ્થળ પર પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ભૂકંપ પછીના આંચકાઓના ડરથી, હજારો લોકો પોતાના ઘર છોડીને રસ્તાઓ પર સૂઈ જવા મજબૂર છે. લોકોના ચહેરાઓ પર ડર સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અત્યાર સુધી લગભગ 16 વખત મ્યાનમારમાં ભૂકંપના ઝટકા અનુભવાઈ ચૂક્યા છે.