મહેસાણા
ઉત્તર ગુજરાતમાં શિયાળાની ઋતુ તેની ચરમસીમાએ પહોંચી છે ત્યારે મહેસાણા શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ પણ ચિંતાજનક રીતે
વધી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, રહેણાંક સોસાયટીઓ અને અંતરિયાળ વિસ્તારોમાં શ્વાન કરડવાના બનાવોમાં નોંધપાત્ર ઉછાળો
જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શિયાળાની શરૂઆત થતા જ હોસ્પિટલ પહોંચતા દર્દીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે
જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહેસાણા સિવિલ હોસ્પિટલના આંકડાઓ મુજબ ઉનાળા અને ચોમાસા દરમિયાન
શ્વાન કરડવાના કેસોની સંખ્યા મર્યાદિત હોય છે. સામાન્ય રીતે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન દર મહિને સરેરાશ 200 થી 250
દર્દીઓ નોંધાતા હોય છે. પરંતુ શિયાળો શરૂ થતા જ આ આંકડો બમણો થઈ ગયો છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ 15 થી
20 નવા કેસો નોંધાઈ રહ્યા છે.ગત ડિસેમ્બર મહિનામાં તો આ આંકડો રેકોર્ડબ્રેક 622 પર પહોંચી ગયો હતો. વર્ષ 2025 ના સમગ્ર
ડેટા પર નજર કરીએ તો કુલ 3,837 લોકોને શ્વાને બચકા ભર્યા છે. આ અંગે સિવિલ હોસ્પિટલના RMO ડો. પી.પી. પટવાએ
જણાવ્યું હતું કે, “શિયાળાની કડકડતી ઠંડીમાં રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી થતા શ્વાન વધુ હાયપર-એક્ટિવ ઉશ્કેરાયેલા
બની જાય છે, જે આ વધારાનું મુખ્ય કારણ છે. હોસ્પિટલ દ્વારા આવા દર્દીઓ માટે ચોક્કસ પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યો છે. સૌ
પ્રથમ ઘાને સાફ કરી તેની ગંભીરતા મુજબ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. હોસ્પિટલમાં એન્ટી-રેબીઝ વેક્સિન અને
ઈમ્યુનોગ્લોબ્યુલિન ઈન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને દર્દીઓને 24 કલાક સારવાર આપવામાં આવે છે.

