સુરત
ગુજરાત સરકાર દ્વારા રત્નકલાકારોના બાળકોના શિક્ષણ માટે જાહેર કરવામાં આવેલા સહાય પેકેજમાં 26,000 જેટલા ફોર્મ રિજેક્ટ થતાં સુરતના રત્નકલાકારોએ માહિતી અધિકાર અધિનિયમ-2005નો સહારો લઈ જાગૃતિ અને લડતનું શંખનાદ ફૂંક્યું છે. ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ છેલ્લા પાંચ દિવસમાં જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 1000થી વધુ RTI અરજીઓ દાખલ કરવામાં આવી છે. રિજેક્ટ થયેલા ફોર્મ પાછળના સાચા કારણો જાણવા અને ગરીબ તથા જરૂરિયાતમંદ રત્નકલાકારોને ન્યાય મળે તે માટે યુનિયનની માગ છે. ડાયમંડ વર્કર યુનિયનના વાઈસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ ટાંકે આ સમગ્ર મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે રત્નકલાકારો માટે શિક્ષણ સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ અંતર્ગત સુરત ખાતે 74000થી વધુ રત્નકલાકારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 50,000 ફોર્મને મંજૂર કરવામાં આવ્યા, પરંતુ 26,000 જેટલા ફોર્મને કોઈપણ સ્પષ્ટ કારણ આપ્યા વગર રિજેક્ટ કરી દેવાયા હતાં.
હાલમાં હીરા ઉદ્યોગ મંદીના ગ્રહણ હેઠળ છે, જેના કારણે અનેક રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ઘણા પરિવારો ભાડાના મકાનોમાં રહે છે અને તેમના બાળકોની શિક્ષણ ફી ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ફી ન ભરાય તો બાળકોના અભ્યાસ અટકાવવામાં આવે તેવું દબાણ પણ સ્કૂલો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવા કપરા સમયમાં શિક્ષણ સહાય રદ થતાં પરિવારોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ડાયમંડ વર્કર યુનિયનના વાઈસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈએ ટાંકે ‘આ સમગ્ર મામલે વધુમા કહ્યુ, “માહિતી અધિકાર અધિનિયમ-2005’ના કાયદાની સત્તા પર ભાર મૂકતા જણાવ્યું કે, આ કાયદો ભારતના દરેક નાગરિકને સરકાર પાસેથી માહિતી જાણવાનો બંધારણીય અધિકાર આપે છે”. તેમણે એ પણ ઉમેર્યું કે, “સરકારને અમારી વિનંતી છે કે જો ફોર્મ યોગ્ય કારણોસર રદ થયા હોય તો વાંધો નથી, પરંતુ અનેક એવા પરિવારો છે જેને હકીકતમાં ફીની જરૂર છે. સરકારે મોટું મન રાખીને 26,000 રદ કરાયેલા ફોર્મ પર ફેર-વિચારણા કરવી જોઈએ”. “જો આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતી સમયસર અને યોગ્ય રીતે પૂરી પાડવામાં નહીં આવે, તો યુનિયન અધિકારીઓ વિરુદ્ધ અને કાયદાના ભંગ બદલ કાયદાકીય લડત ચલાવશે, તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે”.

