ઉપ્સલા,
સ્વીડનના ઉપ્સલા શહેરમાં એક ભયાનક ફાયરિંગની ઘટના બની હતી જેમાં, ત્રણ લોકોના મોત થયા હતા. ઉપ્સલામાં આવેલ એક હેર સલૂનમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બની હતી.
મીડિયા સૂત્રો થી પ્રાપ્ત માહિતી અનુસાર, ઉપ્સલા શહેરમાં ગોળીબારની ઘટના વાકસાલા સ્ક્વેર નજીક સ્થિત એક સલૂનમાં બની હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે,પાંચ ગોળીબારના અવાજ સાંભળ્યા અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ હુમલાખોર સ્કૂટર પર ભાગી ગયો હતો. તે હાલમાં પોલીસ કસ્ટડીની બહાર છે.
ફાયરીંગ ની ઘટના બાબતે જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ અને ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ પ્રવક્તા મેગ્નસ જેન્સન ક્લેરિને જણાવ્યું હતું કે, ‘આ વિસ્તારમાં મોટા વિસ્ફોટોના અનેક અહેવાલો મળ્યા છે. આ ઘટના એવા સમયે બની જ્યારે ઉપ્સલામાં વેલપુરગીસ વસંત મહોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી, જેમાં સામાન્ય રીતે ભારે ભીડ ઊમટે છે.’
મહત્વનું છે કે, અગાઉ સ્વીડનમાં સૌથી ભયંકર ગોળીબારની ઘટના બની હતી. ગોળીબારમાં 10 લોકોના મોત થયાની તપાસમાં જાણવા મળ્યું છે કે રેબ્રો શહેરમાં એક પુખ્ત શિક્ષણ કેન્દ્રમાં 35 વર્ષીય વ્યક્તિએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલા પછી, દેશની જમણેરી સરકારે બંદૂક કાયદા કડક બનાવવાની યોજના જાહેર કરી.