ગાંધીનગર,
સવારે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીએ ભવ્ય રોડ-શોમાં ભાગ લીધો હતો. તેમણે મહાત્મા મંદિર ખાતેથી 5,536 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યુ છે. તેમણે આ પ્રસંગે કરેલા સંબોધનમાં ઓપરેશન સિંદૂર અને સમગ્ર દેશમાં ફેલાય દેશભક્તિના જૂવાળ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, હું ગઇકાલે વડોદરા, દાહોદ અને ભુજ ગયો પછી અહીં આવ્યો. જ્યાં જ્યાં ગયો ત્યાં દેશ ભક્તિની જ્વાળાઓ જોવા મળી. જ્યાં ગયો ત્યાં સિંદૂરિયા સાગરની ગર્જના અને લહેરાતા તિરંગા દેખાયા.
વડાપ્રધાને ગાંધીનગરમાં કરેલા સંબોધન વખતે કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કરતા કહ્યું કે, જ્યારે ગિફ્ટ સિટીનો મેપ તૈયાર કર્યો ત્યારે લોકો હસતા હતા કે, આવડી મોટી બિલ્ડિંગો થોડી બને પણ આપણે કરીને બતાવ્યું. હવે દેશનું દરેક રાજ્યની ઈચ્છા છે કે અમારે ત્યાં પણ એક ગિફ્ટ સિટી હોય. એટલે કે આપણે નિર્ધાર કરીને જીત મેળવાની છે.
અમદાવાદમાં કાંકરિયાના વિકાસ વખતે કોંગ્રેસ કોર્ટમાં પહોંચી હતી કાંકરિયા તળવાના વિકાસ વખતે તો કોંગ્રેસ પાર્ટી છેક કોર્ટમાં પહોંચી હતી. આજે કાંકરિયા ફરવા માટે આખુ ગુજરાત આવે છે. વિકાસ ક્યારેય સમાજ વિરોધી નથી હોતો એ આ લોકો નથી સમજતા. અટલ બ્રિજ વખતે પણ આવી જ ઘટના ઘટી હતી. વડાપ્રધાને કોંગ્રેસ પર વાકપ્રહાર કરતા કહ્યું કે, વિકાસની વાતો આ લોકો નથી સમજતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ દેશના નાગરિકોને અપીલ કરતા વિદેશી સામાન પર નિર્ભરતા ખતમ કરવાની અપીલ કરી છે. તેમણે નામ લીધા વિના અમેરિકા અને ચીનને સખત સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર ફક્ત સૈન્યબળના ભરોસે નહીં પરંતુ તેમાં જનબળની ભાગીદારી હોવી પણ જરૂરી છે.
પીએમ મોદીએ કહ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા અને અર્થવ્યવસ્થાને તાત્કાલિક ચોથા નંબરેથી ત્રીજા નંબર પર લઈ જવા માટે હવે આપણે કોઈ વિદેશી વસ્તુનો ઉપયોગ કરીશું નહીં. આપણે ગામડે ગામડે વેપારીઓને શપથ લેવડાવવા પડશે કે વિદેશી સામાનમાંથી ગમે તેટલો નફો કેમ ન મળે, કોઈ પણ વિદેશી વસ્તુ વેચશે નહીં. તેમણે કહ્યું કે આજે નાની આંખોવાળા ગણેશજી પણ વિદેશથી આવી જાય છે, ગણેશજીની આંખ પણ નથી ખુલી રહી. હોળી પર રંગ અને પિચકારી પણ વિદેશથી આવી રહ્યા છે. પીએમ મોદીનો સીધો ઈશારો ચીન તરફ હતો, જેના ઉત્પાદનો તહેવારો પર ભારતીય બજારોમાં ધડાધડ વેચાય છે.
દેશવાસીઓને અપીલ કરતા પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર માટે દેશના નાગરિક હોવાને નાતે તમારે બધાને એક કામ કરવાનું છે. ઘરોમાં જઈને યાદી બનાવો કે તમારા ઘરમાં સવારથી સાંજ સુધી કેટલી વિદેશી વસ્તુઓનો ઉપયોગ થાય છે. ઘરોમાં હેરપિન, ટુથપિક સુધી વિદેશી વસ્તુઓ ઘુસી ગઈ છે. દેશને બચાવવાનો છે, બનાવવાનો છે, આગળ વધારવાનો છે તો ઓપરેશન સિંદૂર ફક્ત સૈનિકોની જવાબદારી નથી, ઓપરેશન સિંદૂર 140 કરોડ નાગરિકોની પણ જવાબદારી છે.
પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર સૈન્યબળથી નહીં પણ જનબળથી જીતવાનું છે અને જનબળ માતૃભૂમિમાં પેદા થયેલી દરેક વસ્તુમાંથી આવે છે, જેમાં આ માટીની સુગંધ હોય. આ દેશના નાગરિકના પરસેવાની સુગંધ હોય, એવી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. તેમણે કહ્યું કે આ આંદોલનને જન-જન સુધી લઈ જવાનું છે. આનાથી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન પૂરું થશે.

