સ્ત્રીને સશકત કરવાની જરૂર છે ખરી? લેખક : અર્ચના તેજસિંહ ચૌહાણ

સોશિયલ મીડિયા પર શેર કરો

                                 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી હમણાં જ પૂરી થઇ કે પછી હજી ચાલી જ રહી છે એમ કહીશ તો પણ ખોટું નથી. જો કે મને હંમેશાથી એવો પ્રશ્ન થાય કે મહિલાઓનો કોઈ એક જ દિવસ કેવી રીતે હોઈ શકે? મહિલાઓને કોઈ એક પણ દિવસમાંથી બાદ કરીએ એવો એક પણ દિવસ હોઈ શકે? જો કે ઉજવણી એ સારી વાત છે. દરેક વ્યક્તિ હોય એ સ્ત્રી હોય કે પુરુષ પણ એના કામને અને એની ઉપલબ્ધિઓને બિરદાવવામાં આવે તો કોને ના ગમે? અને જયારે સ્ત્રીઓ વિષે સદીઓથી એમ જ માનવામાં આવે છે કે સ્ત્રીની બુદ્ધિ તો પગની પાની એ હોય ત્યારે જયારે સ્ત્રીઓને એની બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને ઉપલબ્ધિઓ અને સફળતા માટે બિરદાવવામાં આવે એનાથી રૂડું શું? બસ વાત એ જ છે કે આ બધા જ સમાંરભમાં એક વાક્ય બહુ જ સાંભળવા મળ્યું કે સ્ત્રી સશક્તીકરણની જરૂર છે…શું ખરેખર સ્ત્રીને સશકત થવાની જરૂર છે? રોટલો રળનાર અને રોટલો ઘડનાર સ્ત્રીને કોણ સશકત કરી શકશે? 

                                  સ્ત્રી તો પોતે બધાને સશકત કરે છે. સૌથી પહેલા એક જીવમાંના ગર્ભમાં આવે છે ત્યારે એના જ શરીરના રક્તમાંથી પોષણ મેળવીને ભવિષ્યમાં જન્મ લેનારું બાળક પોષિત થાય છે અને સશકત બને છે, ત્યાર બાદ જગતમાં આંખ ખોલ્યા પછી બાળકનું સશક્તિકરણ થાય છે માંના ધાવણથી જે બાળકને એટલું મજબુત બનાવે છે કે એ એના આવનાર જીવનમાં એટલું મજબુત બને કે દરેક પરિસ્થિતિઓનો સામનો કરી શકે. પછી બાળકના જીવનના મહત્વના  પહેલા પાંચ વર્ષ કે જેમાં એક માતા પોતે બાળક બની જઈને એનો માનસિક વિકાસ કરવામાં મદદ કરે છે જેના કારણે એ માનસિક સશકત બને છે. કોઈ પણ માણસના જીવનમાં જીવનના આટલા મહત્વના વર્ષો બાદ કરી નાખીએ તો શું એ એટલો સશક્ત બની શકે? એક સ્ત્રી એ માનવ જીવનનો એ પાયો છે જેના વગર જીવ ઉત્પતિ જ શક્ય નથી. ઈશ્વરે સર્જનની શક્તિ એક એની પાસે રાખી છે અને બીજી આપી છે સ્ત્રીને. એક સામન્ય વિચાર કરવા જેવો છે કે એક 3 કિલોનો પથ્થર આપણે ઉઠતાં બેસતાં ખાતા પીતા હરતાં ફરતા, ઊંઘતા જાગતા બધે લઇ લઈને ફરવાનું થાય તો આપણા રીએક્શન શું હોય? અફકોર્સ આપણે કંટાળી જઈએ. અને એ જ સ્ત્રી 9-9 મહિના સુધી ઉઠતાં બેસતાં ખાતા-પીતા હરતાં-ફરતા, ઊંઘતા જાગતા બધે 3 કિલોના બાળકને એના શરીરમાં લઈને ફરે છે. આનાથી મોટું સશક્તિકરણનો બીજો શું પુરાવો હોય?

બધા કહે છે કે સ્ત્રી દેવી છે, દુર્ગા છે, કાલી છે, અંબા છે પણ સ્ત્રીઓ ઈચ્છે છે કે એમને દેવીની જેમ પૂજવામાં આવે કે ના આવે પણ માણસની જેમ રહેવા દેવામાં આવે. બધા ને હમેશા એવું લાગ્યું છે કે સ્ત્રીને તો ઈશ્વર પણ નથી સમજી શક્યો પણ હકીકતમાં સ્ત્રીને સમજવી ખુબ સરળ છે. પણ એને સમજવાની મુખ્ય શરત છે એને સન્માન આપવાની. જાતિગત આપણે બહુ જજમેન્ટલ બની જઈએ છીએ. જેમ કે એક સ્ત્રી  સારી ડ્રાઈવર ક્યારેય ના હોઈ શકે ભલે એ પાયલટ બનીને પ્લેન જ કેમ ના ઉડાડે…સ્ત્રીઓને મેડીસીન પસંદ કરવું જોઈએ સર્જન ના બનવું જોઈએ કારણ કે સ્ત્રી સારી સર્જન નથી હોતી ભલે માણસના જીવનનું મહત્વનું સર્જન એટલે કે મોટા ભાગના ગાયનેકોલોજીસ્ટ સ્ત્રીઓ જ કેમ ના હોય અને એ જ બીજી સ્ત્રીની સર્જરી દ્વારા ડીલીવરી કેમ ના કરાવતા હોય, સ્ત્રી માટે તો સ્પેશ્યલ કરિયર ઓપ્શન પણ તૈયાર રાખવામાં આવ્યા છે જેમ કે ટીચર, ફેશન ડિઝાઈનર, બ્યુટી પાર્લર વગેરે અને આ બહારનું કોઈ કરિયર ઓપ્શન જો પસંદ કરી લે તો ત્યાં જ શરુ થઇ જાય ટીકાઓ…સ્ત્રીઓ માટે નક્કી કરવામાં આવ્યું છે કે એને કેટલી ઉમરે લગ્ન કરવા જોઈએ, કેટલી ઉમરે બાળકોને જન્મ આપવો જોઈએ? અને બાળકોમાં પણ માત્ર ગર્લ ચાઈલ્ડ હોય તો જ્યાં સુધી દીકરો ના આવે તો બીજા બાળકને ત્રીજા બાળકને જન્મ આપવો જોઈએ. અને જો કોઈ સ્ત્રી આ માળખાની બહાર જઈને લગ્ન કરવાની ના પાડે અથવા તો મોડા લગ્ન કરે અથવા તો ક્યારેય બાળકને જન્મ જ નથી આપવો એવું નક્કી કરે કે પછી માત્ર એક જ બાળક ભલે એ દીકરી જ કેમ ના હોય એને રાખવાનું નક્કી કરે તો ત્યાં પણ એ એવા એવા ઉપનામોથી સંબોધાવા લાગે છે. સ્ત્રી માટે આખું જીવન બાય ચોઈસ નહિ પણ બાય ફોર્સ હોય છે અને તો પણ એ ખુશી ખુશી સહન પણ કરી લે છે બસ બદલામાં ઈચ્છે છે થોડું સન્માન અને થોડો જશ. અને આપણે વર્ષમાં એક દિવસ એના દીવસ તરીકે યાદ કરીને એમ માની લઇયે છીએ કે આપણે એના માટે બહુ બધું કરી લીધું.

                                     જો મહિલા દિવસના દિવસે આપણે ખરેખર સ્ત્રીઓને સન્માનિત કરવી છે ને તો એ પ્રતિજ્ઞા લઈયે કે આપણે સ્ત્રીઓને માન નહિ આપી શકીએ તો કંઈ નહિ પણ એનું અપમાન તો નહિ  જ કરીએ, આપણે એને એના મનગમતાં કરિયરમાં જવા માટે પ્રેરણા કે સહકાર નહિ આપી શકીએ તો કંઈ નહિ પણ એમાં મુશ્કેલીઓ નહિ ઉભી કરીએ. આપણે એને મજબુર નહિ કરીએ કે એણે ક્યારે અને કોની સાથે લગ્ન કરવા કે ના કરવા અને ક્યારે બાળકને જન્મ આપવો કે પછી આખી જિંદગી એકલા જ રહેવું. જો આ કરી શકીશું તો એ પણ હશે ખરું સ્ત્રી સશક્તિકરણ અને એ જ હશે મહિલા દિવસની ખરી ઉજવણી કે સ્ત્રીને સ્ત્રી સમજાતા પહેલા માણસ સમજીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *