અમદાવાદ,
તારીખ 14 મે 2025 ના રોજ અમદાવાદના મર્સિડીઝ કારથી હિટ એન્ડ રન કરનારો યુવક પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. આ અકસ્માતમાં રાહુલ ભાટીયા નામના ફૂટબોલરને ગંભીર ઈજા પહોંચી હતી. હાલમાં તે ICUમાં સારવાર હેઠળ છે. હીટ એન્ડ રન કરનારી આ મર્સિડીઝ કોઈ બીજાની નહીં, એટલે કે પૈસાદાર ઘરના વ્યક્તિની નહીં, પણ એક કોન્સ્ટેબલના દીકરા વિજય વાઘજીભાઈ રબારીની હોવાનું સામે આવ્યું છે.
તારીખ 14 મે 2025 ના રોજ 29 વર્ષીય વિજય વાઘજીભાઈ રબારી નામનો યુવક ફૂલ સ્પીડે મર્સીડિઝ કાર ચલાવીને 23 વર્ષીય રાષ્ટ્રીય સ્તરના ફૂટબોલર આન્દ્રે રાહુલ ભાટિયા નામના યુવકના વાહનને ટક્કર મારીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં ફૂટબોલરને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ તે ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ કારણસર તેનો પરિવાર પણ પોલીસ તપાસ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ફૂટબોલર આન્દ્રે રાહુલ ભાટિયા ગુજરાત વતી સંતોષ ટ્રોફી પણ રમી ચૂક્યો છે. આ સિવાય પણ તે અનેક પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યો છે.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ, પોલીસ આ અકસ્માતની ઘટનામાં ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે જેમાં જાણવા મળ્યું હતું કે, મર્સીડિઝ ચાલક યુવક બીજું કોઈ નહીં પરંતુ અમદાવાદ રૂરલ પોલીસમાં કોન્સ્ટેબલમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો દીકરો હતો. વળી, હીટ એન્ડ રનના સમાચારો વહેતા થયા અને પીડિત પરિવાર સહિત લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે પોલીસે આઠ દિવસ બાદ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. પોલીસનો દાવો છે કે, અમે ટેકનિકલ ડિટેલ્સ વેરિફાય કરતા હતા. હવે સવાલ એ છે કે, શું અકસ્માત સર્જીને ભાગ્યો ત્યારે આ કોન્સ્ટેબલનો પુત્ર નશામાં હતો? જ્યારે અકસ્માતમાં જે મર્સિડીઝ કાર હતી એને પણ કબજે લેવામાં આવી છે.