પાટડી,
સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાંથી એક અત્યંત કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ઝેઝરી ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર ટક્કર થતાં અમદાવાદના એક જ પરિવારની ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અમદાવાદનો આ પરિવાર ધાર્મિક સ્થળ સામેધામાથી દર્શન કરીને પોતાની કારમાં પરત ફરી રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, કારમાં સવાર શ્રદ્ધાળુઓ શક્તિમાતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સુરેન્દ્રનગરથી માલવણ તરફ પુરઝડપે આવી રહેલા ડમ્પર સાથે તેમની કારની ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ચારેય મહિલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.
આ અકસ્માતમાં કારમાં સવાર એક પુરુષને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે, મૃતક મહિલાઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
મૃતક મહિલાઓ પૈકી બે મહિલાઓ મૂળ ડેરવાળાના વતની છે અને હાલમાં અમદાવાદમાં રહે છે. જ્યારે અન્ય બે મૃતક મહિલાઓ અમદાવાદમાં તેમના પાડોશી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા બજાણા પોલીસનો કાફલો અને 108એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ અકસ્માત બાબતે પ્રત્યક્ષદર્શીઓના મતે આ અકસ્માત ડમ્પર ચાલકની બેફામ ગતિ અને બેદરકારીના કારણે થયો હોવાનું માનવામાં આવે છે. એક સાથે ચાર મહિલાઓના મોતથી અમદાવાદના આ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. ધાર્મિક યાત્રાનો અંત આ રીતે કરુણાંતિકામાં થતાં પરિવારજનો અને સગા-સંબંધીઓમાં ગમગીની છવાઈ ગઈ છે.

