સુરતના વરાછામાં કે.પી. સંઘવી ડાયમંડ કંપની સામે વેપારીઓના ધરણાં, ભાજપના ધારાસભ્યો પણ જોડાયા ધરણમાં

સોશિયલ મીડિયા પર શેર કરો

સુરત,

વરાછા વિસ્તારમાં આવેલ કે.પી. સંઘવી ડાયમંડ કંપની અને લેણદારા દલાલ-વેપારીઓ વચ્ચેની નાંણાકીય લેતીદેતી મુદ્દેના વિવાદમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે વરાછાના ધારાસભ્યની સાથે વધુ બે ધારાસભ્ય પણ જોડાયા હતા અને કંપનીના સંચાલકો સાથે બેઠક કરી યોગ્ય નિરાકરણ લાવવા અંગે ચર્ચા કરી હતી. 

આ સમગ્ર મામલા ની વાત કરીએ તો, વર્ષ 2019માં સુરતની જાણીતી કે.પી. સંઘવી ડાયમંડ કંપનીમાંથી દલાલોએ 5 લાખ રૂપિયાથી લઈને 1.50 કરોડ રૂપિયા સુધીના અંદાજે 8 કરોડ રૂપિયાથી વધુની કિંમતના હીરા ખરીદ્યા હતા. પરંતુ મંદી અને કોરોનાકાળમાં ભારે નુકશાની થતા દલાલ-વેપારીઓએ નાદારી જાહેર કરી હતી. જો કે, ડાયમંડ એસોસિયેશનની મધ્યસ્થીમાં સમાધાન બાદ વેપારી-દલાલોએ દરદાગીના અને મિલકત વેચી ચુકવણું કર્યુ હતું. પરંતુ કંપનીને આપવામાં આવેલા સિક્યુરીટી પેટેના ચેક ડિપોઝીટ કરી રીટર્ન કરાવી કેસ કરવામાં આવી રહ્યા છે. 

જો કે, આ મુદ્દે અગાઉ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ દરમિયાનગીરી કરી હતી. તેમ છતા કંપનીએ કનડગત કરવાનું ચાલુ રાખ્યું હતું. જેને પગલે 17 જેટલા દલાલ-વેપારીઓ તેઓની પત્ની સાથે કંપનીની બહાર ધરણાં ઉપર બેઠા હતા. જે ધરણાં આજે પણ યથાવત રહ્યા હતા અને તેઓની પડખે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ઉપરાંત કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયા અને પ્રવિણ ઘોઘારી અને ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા પણ જોડાયા હતા. દરમિયાનમાં ધારાસભ્ય વિનુ મોરડિયા અને પ્રવિણ ઘોઘારી અને દિનેશ નાવડિયાએ કંપનીના સંચાલક સાથે બેઠક કરી યોગ્ય નિરાકરણ લાવવાના મુદ્દે ચર્ચા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *