સુરત,
સુરતના ઉધનામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં, પોલીસે ઉધનાના લક્ષ્મીનારાયણ કમાઉન્ડમાંથી અજય કાફેની ડિલિવરી કરવાની આડમાં વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસે ઉધના વિસ્તારના લક્ષ્મીનારાયણ કમાઉન્ડમાંથી અજય કાફેની ડિલિવરી કરવાની આડમાં વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો જેમાં નાના-મોટા 100 જેટલાં કેન ભરીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે વિદેશી દારૂ સાથે કુલદીપ ચનિયારા, અશ્વિન કુમાર અને નીતિન અંબોરે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આરોપીઓ દક્ષિણ ગુજરાતમાં આવેલા અજય કાફેમાં સામાન ડિલિવરી કરવા બંધ બોડીના વાનનો ઉપયોગ કરતા હતા. આ શખસો સામાન ડિલિવરી કરવા માટે સુરતથી વાપી સુધી જાય છે અને પરત ફરતા વખતે દમણથી વાનમાં કેરેટની વચ્ચે દારૂ છુપાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. હાલ પોલીસે ત્રણ આરોપી સહિત વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન સહિત 2.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.