ભરૂચ,
ભરૂચના ભોલાવ વિસ્તારમાં કોલેજ રોડ પર આવેલી દૂધધારા ડેરી નજીક આવેલી ગટરમાંથી બે દિવસ પહેલાં અજાણ્યા વ્યક્તિનું માથું મળી આવ્યું હતું. ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારી સહિત સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. માનવ અંગો મળવાને લઈને વધુ તપાસ કરતાં બીજા દિવસે શરીરના અન્ય અંગો મળી આવ્યા છે. જેમાં ઘૂંટણ સુધીનો ભાગ મળ્યો હતો. ત્યારે સોમવારે ત્રિજા મૃતદેહના મળી આવેલાં બંને અંગો કોઈ એક વ્યક્તિના હોવાનો પોલીસનો અંદાજ છે.
સમગ્ર ઘટનાક્રમ ની વાત કરીએ તો, તા. 29 માર્ચ, 2025ના રોજ ભરૂચના ભોલાવ વિસ્તારમાં દૂધધારા ડેરી નજીક આવેલી ગટરમાંથી અજાણી વ્યક્તિનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ મામલે વધુ તપાસ કરતાં બીજા દિવસે (30 માર્ચે) થોડે દૂર ગટરમાંથી અન્ય અંગ મળ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. સોમવારે (31 માર્ચ, 2025) સતત ત્રીજા દિવસ માનવ મૃતદેહના અન્ય અવશેષ મળ્યા છે. ગટરમાંથી માનવ મૃતદેહનો હાથ મળી આવ્યો છે, ત્યારે મૃતક અને હત્યાને અંજામ આપનાર કોણ છે તે હજુ સુધી જણાય આવ્યું નથી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
શહેરની ગટરમાંથી અજાણ્યા વ્યક્તિના માથા, ઘૂંટણ સુધીના શરીરના અંગો અને હવે ત્રીજા દિવસે હાથના અંગો મળતાં પોલીસે અન્ય અંગોની શોધખોળ શરૂ કરી છે. જ્યારે સમગ્ર ઘટનાનું રહસ્ય હજુ પણ અકબંધ છે, ત્યારે શું છે સમગ્ર મામલો તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.