દેવભૂમિ દ્વારકા,
રાજ્ય સહિત દેશભરમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી એક ચિંતાનો વિષય બની રહ્યો છે, ત્યારે ગુજરાતના દ્વારકામાં પાંચ બાંગ્લાદેશી મહિલાઓને પોલીસ વિભાગે ઝડપી પાડી હતી અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ ને દ્વારકાના રુક્ષ્મણી મંદિરની પાછળના વિસ્તારમાં અમુક મહિલાઓ શંકાસ્પદ રીતે જણાઈ આવી હતી. જો કે, તેમની પૂછપરછ કરતાં મહિલાઓ પાસેથી ભારતીય ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ કે વિઝા સહિતના અન્ય ડોક્યુમેન્ટ ન હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશનું આઈડી કાર્ડ સહિત મોબાઈલ નંબર મળી આવતા આ પાંચેય મહિલાએ બાંગ્લાદેશની નાગરિક હોવાનું જાણવા મળ્યું હતું.
જે બાદ પોલીસ દ્વારા તમામ ની અટકાયત કરી વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, દરેક મહિલાઓ પાસેથી એજન્ટે રૂ.25 હજાર લઈને ગુજરાત પહોંચાડ્યા હતા. જેમાં તેઓ દરિયા મારફતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને પછી ગુજરાત પહોંચ્યા હતા.
વધુમાં આ મામલે મળતી માહિતી મુજબ, રાજ્યમાં ગેરકાયદે રહેતી આ મહિલાઓ ગેરકાયદેસર રીતે કમાણી કરીને પૈસા મોકલી હતી. આ પાંચેય મહિલાઓ હિન્દુ નામ ધારણ કરીને અહીં રહેતી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે પાંચેય મહિલાઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.