વડોદરા,
વડોદરા જિલ્લામાંથી દારૂની હેરાફેરી સહિતની ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ અટકાવવા વડોદરા ગ્રામ્ય એલસીબી ની સક્રિય કામગીરી નો દાખલો જોવા મળ્યો હતો જેમાં, એલસીબીના પીએસઆઇ અને ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન કોન્સ્ટેબલને સંયુક્ત રીતે બાતમી મળી કે, એક બંધ બોડીનો આઇસર ટ્રક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી આવી રહ્યો છે. બાતમીના આધારે ભારતમાલા હાઇવે પર વડોદરાથી અમદાવાદ તરફ જવાના રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બતમીથી મળતો બંધ બોડીનો આઇસર ટ્રક જણાઇ આવતા તેને કોર્ડન કરીને તેને રોકવામાં આવ્યો હતો ત્યારે ટ્રકમાં એક માત્ર ચાલક મળી આવ્યો હતો. તેનું નામ અશોકકુમાર ભગવાનરામજી ખીલેરી (બિશ્નોઇ) (રહે. ધોરીમના, અજાણી ચોરી ઢાણી, બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ આઇસર ટ્રકમાં તપાસ કરતા 531 નંગ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેની કિંમત રૂ. 22 લાખ આંકવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસે ટ્રક, મોબાઇલ અને જીપીઆરએસ ડિવાઇઝ જપ્ત કર્યા છે. જે તમામ મળીને કુલ. રૂ. 32.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે કરજણ પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ નોંધવામાં આવ્યો છે.
આરોપી ચાલકની એલસીબી દ્વારા કડકાઇ પૂર્વક પુછપરથ કરવામાં આવતા તેણે જણાવ્યું કે, પુનારામ ધોકલારામ ગોદારા એ કર્ણાયક હુબલીના કિષ્ણાભાઇ નામના વ્યક્તિનો સંપર્ક કરાવીને કર્ણાટકના હુબલી હાઇવે પરથી આઇસર ગાડી આપી હતી. અને મનોહરલાલ ને રસ્તો બતાવીને અમદાવાદ ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું.