વડોદરા,
શહેરમાં 13 માર્ચના રોજ હોળીની રાત્રે થયેલા ચકચારભર્યા હિટ એન્ડ રન કેસમાં અકસ્માત બાદ તપાસમાં આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી રક્ષિતે તેના મિત્રના ઘરે ગાંજાનું સેવન કર્યા પછી આ અકસ્માત સર્જ્યો હતો, જેના માટે પોલીસે કડક કલમો હેઠળ તપાસ પણ કરી હતી ત્યારે હવે કોર્ટે આ કેસમાં પ્રાંશુ ચૌહાણને છોડી દેવાનો આદેશ આપ્યો છે.
આ હિટ એન્ડ રન કેસમાં પોલીસે પ્રાંશુ ચૌહાણને સાક્ષી અને આરોપી બનાવ્યા હતા, બચાવ પક્ષની દલીલો બાદ કોર્ટે આરોપી પ્રાંશુ ચૌહાણને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર ઘટનામાં જાણવા મળ્યું કે ત્રણ મિત્રોએ સાથે મળીને ગાંજાનું સેવન કર્યું હતું, પ્રાંશુ ચૌહાણ પણ કારમાં હતો. તેથી સાક્ષી તરીકેના નિવેદન બાદ પ્રાંશુને આરોપી બનાવવામાં આવ્યો. પ્રાંશુ ચૌહાણને કસ્ટડીમાં લેતી વખતે બચાવ પક્ષે કોર્ટમાં દલીલો રજૂ કરી અને અંતે કોર્ટે પ્રાંશુ ચૌહાણને મુક્ત કરવાનો આદેશ આપ્યો. પોલીસે રક્ષિતની જેલમાંથી ફરીથી ધરપકડ કરી અને ત્રીજા મિત્ર સુરેશ ભરવાડની મહારાષ્ટ્રના પલાસનેર ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
13 માર્ચના રોજ હોળીની રાત્રે થયેલા ચકચારભર્યા અકસ્માત કેસમાં આરોપી રક્ષિત ચૌરસિયાએ ગાંજો સેવન કરીને અકસ્માત સર્જયો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યુ હતું જ્યારે 8 જણા ઘાયલ થયા હતા. આ બનાવમાં ત્રણ જણા સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જે તે સમયે પોલીસે બ્લડ સેમ્પલ લઈ એફએસએલમાં તપાસ માટે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવતા પોલીસે રક્ષિત ચૌરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા.
જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં એક બાળક-બાળકી સહિત કુલ 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો.