વડોદરા,
શહેરમાં આવેલા કલાલી બ્રિજ પર સવારના સમયે એક ડમ્પર ચાલાકે ટુ વ્હીલર પર જતા એક સિનિયર સિટીઝનને કચડી નાખતા સ્થળ પર જ તેમનું મોત થયું હતું. આ અકસ્માતની ઘટનામાં અટલાદરા પોલીસે સ્થળ પર જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તાંદલજા વિસ્તારમાં રહેતા 60 વર્ષના રફિકભાઈ મુનીરભાઈ પઠાણ સવારે પોતાનું ટુ વ્હીલર લઈને જીઆઇડીસી તરફ જતા હતા તે દરમિયાન એક બેકાબૂ ડમ્પર ચાલકે તેઓને અડફેટે લેતા તેઓ રોડ ઉપર ફંગોળાયા હતા અને ડમ્પરના પૈડા નીચે આવી જતાં ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક સ્થળ પર ડમ્પર છોડીને ભાગી ગયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. રફિકભાઈનો મોબાઇલ પણ તૂટી ગયો હતો. ઘટના સ્થળ નજીકથી પસાર થતા એક વકીલે તેમના મોબાઇલમાંથી તેમના પુત્રનો નંબર કાઢી સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. તદુપરાંત અટલાદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી