વડોદરા,
વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના ઉત્તર છેવાડે છાણી ટ્રાફિક સર્કલ આસપાસમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથધરી હતી. આ ઉપરાંત મોડી રાત્રે કડક બજારથી રેલવે સ્ટેશન વિસ્તારના રોડ રસ્તાની બંને બાજુ ખડકાયેલી ખાણીપીણીની લારીઓ સહિત ગલ્લાનો સફાયો કરતા વિસ્તારના રસ્તા ખુલ્લા થયા હતા.
ઉલ્લેખનીય છે કે, શહેરના છેવાડે ઉત્તર વિભાગમાં છાણીના વિશાળ સર્કલની આસપાસના રોડ રસ્તા પર ચારે બાજુએ ખૂબ મોટા પ્રમાણમાં લારી-ગલ્લા સહિત મોટર ગેરેજના શેડ, ફ્રુટ સહિત વિવિધ જ્યુસ સેન્ટરોના અનેક શેડના કારણે છાણી સર્કલના આસપાસના વિસ્તારનો રસ્તો ખૂબ જ નાનો થઈ ગયો હતો. પરિણામે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હતા. આ અંગેની અનેક ફરિયાદો તંત્રને મળી હતી. જેથી દબાણ શાખાની ટીમે આજે સવારથી જ આ વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી શરૂ કરી હતી. પરિણામે દબાણ કરનારાઓ પોતપોતાનો માલ સામાન લઈને આમથી તેમ ભાગદોડ મચાવી હતી. જ્યારે બીજી બાજુ અનેક શેડ ધારકોને પોતાનો માલ સામાન ખસેડી લેવા સૂચના આપ્યા બાદ તમામ શેડ તોડી નાખવામાં આવ્યા હતા. કેટલીક લારીઓ-ગલ્લા મળીને પાલિકા તંત્રની દબાણ શાખાએ ફતેગંજ પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે સફળ કામગીરી કરીને બે ટ્રક જેટલો માલ સામાન કબ્જે કર્યો હતો.