વડતાલ,
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫ એપ્રિલને મંગળવારના રોજ યોજાઈ હતી. જેમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યો પૈકી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેન તરીકે તથા દેવપ્રકાશ સ્વામીની વડતાલ મંદિરના મુખ્ય કોઠારી તરીકે વરણી કરવામાં આવતા હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.
વડતાલ ટેમ્પલ કમિટીના કોઠારી દેવપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ ટેમ્પલ કમિટીમાં ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, પાર્ષદ વલ્લભભગત, સંજયભાઈ શાંતિલાલ પટેલ (ભરૂચ), તેજસભાઈ બીપીનભાઈ પટેલ (પીપળાવ), અલ્પેશભાઈ પંકજભાઈ પટેલ (વડોદરા) અને સંજયભાઈ હીરાભાઈ પટેલ (ગોધરા) બિનહરીફ ચૂંટાયા હતા.
ચૂંટાયેલા કમિટીના નવા સભ્યોની પ્રથમ મીટીંગ મંગળવારે સવારે મંદિરની બોર્ડ ઓફિસમાં મળી હતી. જેમાં બ્રહ્મચારી, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના છ સભ્યોએ ડો. સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેનપદે અને દેવપ્રકાશ સ્વામીની કોઠારીપદે નિમણૂક કરી હતી, જ્યારે સંજયભાઈ શાંતિલાલ પટેલ (ભરૂચ)ની સેક્રેટરી તરીકે વરણી કરી હતી.
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ટેમ્પલ કમિટીના સભ્યોનું ફુલહાર પહેરાવી સન્માન કર્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન વડતાલ મંદિરના વડીલ સંતો પૂ નૌતમસ્વામી – શ્રીવલ્લભ સ્વામી – બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી – પી પી સ્વામી વગેરે સંતો એ હારતોરા કરીને શુભેચ્છા પાઠવી નવા નિમાયેલા ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશ સ્વામી તથા અન્ય સભ્યોને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.