બોસ્ટન,
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન બ્રાઉન યુનિવર્સિટીમાં ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો જેમાં તેમના દ્વારા ભારતની બંધારણીય સંસ્થાઓ પર વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરી બદનામ કરવાનું કામ કર્યું હતું.
બોસ્ટનમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા, રાહુલ ગાંધીએ દાવો કર્યો કે ભારતનું ચૂંટણી પંચ “સમાધાનકારી” થઈ ગયું છે, અને ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર ખામીઓ છે. તેમણે ખાસ કરીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024નો ઉલ્લેખ કર્યો, જ્યાં તેમના જણાવ્યા મુજબ, “મહારાષ્ટ્રની કુલ પુખ્ત વયની વસ્તી કરતાં વધુ લોકોએ મતદાન કર્યું.” તેમણે આગળ કહ્યું કે ચૂંટણી પંચે સાંજે 5:30 વાગ્યે મતદાનના આંકડા જાહેર કર્યા, અને માત્ર 2 કલાકમાં, એટલે કે 7:30 વાગ્યા સુધીમાં, 65 લાખ વધારાના મતદારોએ મતદાન કર્યું. રાહુલ ગાંધીએ આ ડેટાને “શારીરિક રીતે અશક્ય” ગણાવ્યો, કારણ કે એક મતદારને મત આપવામાં લગભગ 3 મિનિટ લાગે છે, અને આટલી મોટી સંખ્યામાં મતદાન માટે મતદારોએ સવારે 2 વાગ્યા સુધી કતારમાં ઉભા રહેવું જોઈએ, જે બન્યું નથી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિદેશમાં આ બધા વિવાદાસ્પદ નિવેદનો પર ભાજપે આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આક્ષેપ કર્યો કે, રાહુલ ગાંધી વિદેશી ધરતી પર ભારતની બંધારણીય સંસ્થાઓનું અપમાન કરે છે, અને આ તેમની ઓળખ બની ગઈ છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાના ચક્કરમાં, રાહુલ ગાંધી અને તેમના સમર્થકો ભારતની વિરુદ્ધ જવા લાગ્યા છે. પૂનાવાલાએ વધુમાં જણાવ્યું કે, વિશ્વભરમાં ભારતના ચૂંટણી પંચ અને તેની પ્રક્રિયાની પ્રશંસા થઈ રહી છે, પરંતુ રાહુલ ગાંધી આવા સમયે ભારતની બદનામી કરવાનું કામ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસ જ્યાજ્યાં ચૂંટણી જીતે છે, ત્યાં ચૂંટણી પંચ યોગ્ય લાગે છે, પરંતુ હાર થાય ત્યાં તેને દોષ આપવામાં આવે છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ રાહુલ ગાંધીની ટીકા કરી અને કહ્યું કે કોંગ્રેસ અને તેના “યુવરાજ” વિશ્વભરમાં ભારતની છબી ખરડવાનું કામ કરી રહ્યા છે. ભાજપે રાહુલ ગાંધીના આ નિવેદનોને “ખતરનાક” અને “દેશવિરોધી” ગણાવ્યા, જેનાથી ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પર અસર થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપે રાહુલ ગાંધીની “વિદેશમાં ભારત વિરોધી નીતિ”નો ભાગ ગણાવ્યો છે, જ્યારે કોંગ્રેસે તેને લોકશાહીની પારદર્શિતા માટેનો સવાલ ગણાવ્યો છે. આ વિવાદ એવા સમયે ઉભો થયો છે જ્યારે રાહુલ ગાંધી અમેરિકામાં ભારત-અમેરિકા સંબંધોને મજબૂત કરવાના હેતુથી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે ભારતીય ડાયસ્પોરાને સંબોધતા કોંગ્રેસની વિચારધારા અને ભારતની લોકશાહી મૂલ્યોને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચૂંટણી પંચ પરના આક્ષેપોએ આ પ્રવાસને વિવાદાસ્પદ બનાવ્યો છે.