રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ યોજાયો

સોશિયલ મીડિયા પર શેર કરો

રાજપીપળા,

નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે જનજાગૃતિ અભિયાનને વેગવાન બનાવવા માટે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતા ઓડિટોરિયમ ખાતે “પ્રાકૃતિક કૃષિ…પ્રકૃતિના શરણે” વિષય પર નર્મદા જિલ્લાના ખેડૂત ભાઈ-બહેનો માટે પરિસંવાદ યોજાયો હતો. 

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, હરિયાણાના ગુરુકુળમાં થયેલા અનુભવોના આધારે પ્રાકૃતિક કૃષિ તરફ વળવાનો મેં નિર્ણય કર્યો હતો. જેના આજે મને સારા એવા પરિણામો મળ્યા છે. ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળકોને પ્રાકૃતિક ઉપજ વાળું અનાજ-દૂધ ખવડાવી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનની પણ ભેટ આપી છે. આ અભિયાનનો સમગ્ર ગુજરાતમાં પ્રચાર-પ્રસાર કરવાથી અને પ્રાકૃતિક કૃષિની ખેડૂતોને તાલીમ આપતા ખેડૂતોને કારણે આજે ખેતીમાં રસાયણોને જાકારો આપી આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રગતિશીલ ખેડૂતો આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાના યજ્ઞમાં સહભાગી બની રહ્યા છે.  

સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યા સામે લડી રહ્યું છે ત્યારે ખોરાકી ઝેરના કારણે મનુષ્યના શરીરમાં થઈ રહેલા વિવિધ રોગોનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે. પ્રાકૃતિક કૃષિના માધ્યમથી આપણા બાળકોને સ્વસ્થ જીવનની ભવિષ્યમાં ભેટ આપી શકીએ તેમ છે. તેથી જ ભારતના ભવિષ્યને બચાવવા માટેનો એકમાત્ર રસ્તો પણ પ્રાકૃતિક કૃષિ જ છે. દેશી ગાય આધારિત ખેતી એટલે કે ઝેર મુક્ત ખેતી- પ્રાકૃતિક ખેતી જ આપણને સ્વસ્થ અને નિરોગી જીવન માટે સહાયરૂપ સાબિત થઈ રહી છે. 

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિના મુખ્યત્વે પાંચ આયામોની સમજ આપી જીવામૃત, ઘનજીવામૃત બનાવવાની પદ્ધતિઓ અને તેનો ખેતીમાં ઉપયોગ, જમીનની ફળદ્રુપતા વધારવા માટેના પગલાં વિશે વિસ્તારથી ખેડૂતોને સંવાદ સાથે જાણકારી આપી હતી. ખેડૂતોને ખેતીમાં સહાયક બનતા મિત્ર કિટકો અને શત્રુ કિટકોની પણ સમજ આપી હતી. મિત્ર કિટકોની વધુ પ્રમાણમાં જાળવણી કેવી રીતે કરી શકાય તેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર સુક્ષ્મ જીવાણુ અને અળસિયું ખેડૂતોને કેટલાં મદદરૂપ થાય છે તે અંગે પણ વિસ્તારપૂર્વક વીડિયો ક્લિપના માધ્યમથી માર્ગદર્શન આપ્યું હતું. 

રાજ્યપાલશ્રીએ એક પરિવારનું ઉદાહરણ આપી સમજાવ્યું કે, ઘરના રસોડામાં રસોઈ બનાવવા માટેનો સંપૂર્ણ સામાન પડ્યો હોય પરંતુ જો રસોઈ બનાવનાર વ્યક્તિ જ ન હોય તો રસોઈ આપોઆપ બનીને બહાર આવતી નથી તેવી જ રીતે પ્રાકૃતિક કૃષિના પરિણામલક્ષી આયામોને સાકાર કરવા માટે અળસીયા એ ખેડૂતોના મિત્રો છે એકબીજાના પુરક છે. જેઓ જમીનમાં ખેતી માટે રસોઈ બનાવવાનું કામ કરે છે. તે પોતાના જીવનકાળ દરમિયાન જમીનને સતત ફળદ્રુપ પોષકતત્વો ઉમેરી રાખવાનું કાર્ય કરે છે અને મૃત્યુ પછી પણ જમીન માટે જરૂરી પોષક તત્વો પૂરાં પાડે છે. તેવી જ રીતે ધરતી એ વૃક્ષોનું રસોડું છે, સૂક્ષ્મ જીવાણું તેને રસોઈ બનાવવામાં મદદરૂપ થાય છે. તેથી જ આપણે સૂક્ષ્મ જીવાણુંઓનું જતન કરી જમીનને ફળદ્રુપ બનાવવા માટેનું કાર્ય કરીએ અને હંમેશા પ્રાકૃતિક કૃષિનો આગ્રહ રાખીએ. 

નર્મદા જિલ્લાના ખેડૂતોને કેન્દ્રમાં રાખીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, નર્મદામાં મોટાભાગના ખેડૂતો પ્રકૃતિ સાથે જોડાઈને આ પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આગળ આવ્યા છે. જે ખૂબ જ આનંદની બાબત છે. હાલમાં રસાયણયુક્ત ખેતીથી ઉપજાવેલું અન્ન ખાવાના કારણે નાગરિકોમાં સહનશક્તિનો અભાવ જોવા મળે છે. શરીરમાં અનેક પ્રકારના રોગો ઘર કરી રહ્યા છે અને હોસ્પિટલો ઉભરાઈ રહી છે. આ બધા જ તામસી ભોજનના દૂષ્પરિણામો છે. તેથી તેને દૂર કરવા માટે આપણે અન્નને સાત્વિક બનાવીએ, અન્ન જેટલું સાત્વિક હશે તેટલો જ પ્રેમભાવ પણ વધશે, આપણું જીવન નિરોગી બનશે. આપણી ભાવિ પેઢીના નિરોગી જીવન માટે પ્રગતિનો એક જ રસ્તો છે, બાળકોને શિક્ષિત કરવા અને વ્યસનથી દૂર રાખવા વડાપ્રધાનશ્રીના સ્વસ્થ ભારત, વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં પ્રેરક બળ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

આ સમગ્ર કાર્યશાળા દરમિયાન રાજ્યપાલશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપતા માસ્ટર ટ્રેનર્સ, કૃષિ સખી, CRP તેમજ જિલ્લાના ખેડૂતો સાથે સંવાદના રૂપમાં સીધી પ્રશ્નોત્તરી સાથે પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃતમાં ચર્ચા સાથે માર્ગદર્શિત કર્યા હતા. તેમાં વિવિધ પ્રજાતિની ગાયોની સામે દેશી ગાયો આપણને પ્રાકૃતિક કૃષિમાં કેટલી મદદ રૂપ થઈ શકે તે અંગે વિસ્તારથી ખેડૂતોને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. 

જિલ્લા કલેકટર શ્રી એસ. કે. મોદીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની સંખ્યામાં પ્રતિ વર્ષ વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ગામડાઓમાં ક્લસ્ટર આધારિત પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી રહી છે જેમાં જિલ્લામાં અત્યારસુધી અંદાજે 15 હજાર કરતા વધુ ખેડૂતોને સાંકળી લેવામાં આવ્યા છે. તે પૈકીના 10 હજાર કરતાં વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિ અભિયાનને સહર્ષ વધાવ્યું છે. 

આ કાર્યક્રમમાં દેડિયાપાડા તાલુકાના ગામોમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી રહેલા કૃષિ સખી શ્રીમતી ઈલાબેન સતીષભાઈ વસાવાએ સમગ્ર પ્રાકૃતિક કૃષિ તાલીમ પ્રક્રિયાનું વર્ણન કરી ખેડૂતોને આપવામાં આવતી તાલીમ અંગે ચિતાર રજૂ કર્યો હતો.

નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અપનાવી શ્રેષ્ઠ પરિણામની પ્રાપ્તિ કરનારા પાંચ ખેડૂતોનું રાજ્યપાલશ્રીના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.   

કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું એકતા ઓડિટોરિયમ ખાતે આગમન થતાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓડિટોરિયમના પ્રાંગણમાં ઊભા કરાયેલા પ્રાકૃતિક કૃષિ ઉપજ આધારિત વિવિધ સ્ટોલનું નિરિક્ષણ કરી પ્રદર્શિત કરાયેલા પાકો વિશે સ્ટોલ પરના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.  

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભિમસિંહભાઈ તડવી, નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેકટર શ્રી એસ.કે.મોદી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.અંચુ વિલ્સન, આત્મા પ્રોજેક્ટ, જિલ્લા ખેતીવાડી, બાગાયત વિભાગ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, પ્રાકૃતિક કૃષિ અભિયાન સાથે જોડાયેલા માસ્ટર ટ્રેનર્સ, કૃષિ સખી, સી.આર.પી. સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *