મોરબી,
મોરબી ઝુલતા પુલકાંડના કેસમાં મોરબીની સેશન્સ કોર્ટે ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ સહિત તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરી છે. નોંધનીય છે કે, આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી કલમો હેઠળ ગુનો બનતો નથી તેવી દલીલ સાથે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં બુધવારે (28મી એપ્રિલ) અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલે કરેલી દલીલો અને રજૂ કરેલા વિવિધ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આ નિર્ણય લીધો છે.
મોરબીના મચ્છુ નદી પર આવેલા ઝુલતા પુલને રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને આપવામાં આવ્યો હતો. પુલની મજબુતાઇ ચકાસ્યા વગર ઓરેવા ગ્રુપ દ્વારા આ બ્રિજને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકી દેવામાં આવતા પુલ ધસી પડ્યો હતો અને આ ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.