મૂળ ઉત્તર પ્રદેશના અને આણંદમાં કલર કામ કરતાં યુવાનને અકસ્માત બાદ બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનની સંમતિ આપી 

સોશિયલ મીડિયા પર શેર કરો

આણંદ/અમદાવાદ,

મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ આણંદમાં કલરકામ કરતા ૩૦ વર્ષીય મુલાયમ યાદવનો પણ સમાવેશ થાય છે. બ્રેઇન હેમરેજ બાદ તેને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનની સંમતિ આપતા લિવર અને કિડનીનું દાન મળ્યું છે. 

આ સમગ્ર મુદ્દે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના પણ હાલ આણંદના મફતપુરા ખાતે રહીને કલરકામની મજુરીથી પરિવારનું ગુજરાન ચલાવતા મુલાયમ યાદવ ૧૯ માર્ચના કરમસદ બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે ગંભીર અકસ્માત થયો હતો. ગાય બાઇક સાથે અથડાવવાથી મુલાયમ નીચે પડી ગયો હતો અને માથામાં ઈજા થતાં બેભાન થયો હતો. તેમને તાકીદે કરમસદની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. સીટી સ્કેન બાદ તેમને બ્રેઇન હેમરેજ  થયાનું નિદાન થયું હતું. સઘન સારવાર બાદ ૨૩ માર્ચના ડૉક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ડૉક્ટરો અને સામાજિક કાર્યકરોએ મુલાયમ યાદવના પરિવારને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. પત્ની સાવિત્રી દેવી-પિતા તુફાનીએ જણાવ્યું કે, ‘અમે ખૂબ જ સામાન્ય પરિવારના છીએ. જીવનમાં કોઇ ચીજ-વસ્તુનું દાન કરી શકીએ તેમ નથી. મુલાયમ બ્રેઇનડેડ હોવાથી હવે તેનું શરીર રાખ થવાનું જ છે. હવે તેના અંગોનું દાન થઇ શકતું  હોય તે કરાવીને અંગ અન્ય દર્દીઓને નવજીવન આપવા માટે આપવા માટે આપ આગળ વધો…’ 

બ્રેઇનડેડ મુલાયમની બે કિડનીમાંથી એકનું અમદાવાદ જ્યારે બીજીનું રાજકોટના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ મોહાલીના રહેવાસી-અમદાવાદમાં સારવાર લઇ રહેલા દર્દીમાં કરાયું હતું. લિવર અને કિડનીને સમયસર પહોંચાડવા કરમસદથી અમદાવાદ સુધીનો માર્ગ ગ્રીન કોરિડોર બનાવાયો હતો. આણંદથી અમદાવાદ વચ્ચે નવ દિવસમાં આ બીજો ગ્રીન કોરિડોર છે.

મુલાયમના પરિવારમાં પત્ની-પિતા ઉપરાંત માતા, ચાર વર્ષીય તેમજ ૧૪ માસના બે પુત્રનો સમાવેશ થાય છે. તેના પિતા ગામમાં ખેતમજૂરી કરે છે. 

મુલાયમના માતા તેના પુત્રનું મોઢું જોઇ શકે તેના માટે પિતાએ મૃત દેહને વતન ઉત્તર પ્રદેશ લઇ જવા ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના પગલે ખાનગી સંસ્થાના સહયોગથી મૃતદેહને અમદાવાદ એરપોર્ટ કાર્ગોથી અયોધ્યા મોકલાયો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *