ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાની જ્ઞાતિઓ, નાના સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાનો હંમેશા પ્રયાસ કર્યો છે. નટ બજાણીયા બાજીગર સમાજ સહિત વિચરતી વિમુક્ત જાતિના અન્ય વર્ગોને મુખ્ય ધારામાં જોડવામાં સરકારે સફળતા મેળવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય નટ બજાણીયા બાજીગર સમાજના ૨૯માં મેળાના સમાપન પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું.
અમદાવાદના સાણંદ તાલુકાના મોતીપુરા(મોટી દેવતી) ગામમાં પૂજ્ય જયશ્રી દાદા મોતીરામનો ૨૯મો ત્રિદિવસીય ભવ્ય મેળો યોજાયો છે.
નટ બજાણીયા સમાજના આરાધ્ય મોતીરામ દાદાનું પુરાતન મંદિર મોતીપુરા ગામમાં આવેલુ છે.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દરેક જનહિતલક્ષી યોજના છેવાડાના, સામાન્ય, ગરીબ વર્ગના વ્યક્તિને કેન્દ્રમાં રાખીને ઘડવામાં આવે છે, આથી સરકારની દરેક કલ્યાણકારી યોજના સફળ થાય છે.
તેમણે ઉમેર્યું કે, વિચરતી વિમુક્ત જાતિના લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવો થોડો મુશ્કેલ છે. વિચરતા હોવાને કારણે ક્યારેક કોઈ યોજનાનો લાભ કોઈ લોકો સુધી ન પહોંચે ત્યારે, યોજનાના સેચ્યરેશનની મુહિમ ચલાવીને બાકી રહેલા લાભાર્થીઓને લાભ પહોંચાડવાની પરિપાટી વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ સરકારે અપનાવી છે. નાગરિકોને હવે ઘેર બેઠા તમામ યોજનાના લાભ મળતા થયા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નટ બજાણીયા સમાજના કિશોરો – યુવાનો હવે શિક્ષણના માર્ગે વળ્યા છે તે સરાહનીય છે. બાળકો અભ્યાસ કરી શકે તે માટે લોન-ધિરાણ અપાય છે. આવા ૨૫૦ થી વધુ લાભાર્થી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે સવા ત્રણ કરોડથી વધુ લોન સહાય આપી છે.
લગભગ ૮૮ કરોડ રૂપિયાના લોન-ધિરાણ વિચરતી અને વિમુક્ત જાતિના બહેનો, યુવાઓને સ્વરોજગારી માટે સરકારે આપ્યા છે. ગુજરાતના દરેક જિલ્લામાં વિચરતી જાતિને આવાસ બાંધવા જમીનો સરકારે આપી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પૂજ્ય દાદા મોતીરામ ધામના સાનિધ્યમાં આયોજિત સાંસ્કૃતિક મેળા સંદર્ભે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ ગુરુપ્રધાન સંસ્કૃતિ છે. ભગવાન સુધી પહોંચવાનું માધ્યમ ગુરુ છે. પૂજ્ય દાદા મોતીરામ એવા જ એક સમર્થ ગુરુ અને માર્ગદર્શક હતા.
તેમણે કહ્યું કે, નટ બજાણીયા સમાજ વ્યસનમુક્તિને વળગી રહ્યો છે. સમાજમાં કોઈ વ્યક્તિ વ્યસન કરતા પકડાય તો સમાજની પોતાની જેલ છે તેમાં પૂરી દેવાય છે.
મુખ્યમંત્રીશ્રીએ નટ–બજાણીયા બાજીગર સમાજની આ સ્વયમશિસ્ત અને વ્યસનનિર્મૂલન માટેની સામાજિક વ્યવસ્થાને બિરદાવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ત્રિ–દિવસીય મેળાના વિવિધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અંગે ગ્રામજનો સાથે વાર્તાલાપ કરી મેળાના આયોજનની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, મોતીપુરા ગામના સરપંચ શ્રી બાબુભાઈ નાયક, પંચાયત પ્રમુખ શ્રી શૈલેષ દાવડા, પૂર્વ પ્રમુખ શ્રી જે. પી. વાઘેલા, શ્રી કિરીટસિંહ વાઘેલા તેમજ સામાજિક અગ્રણી શ્રી ભરતભાઈ નાયક, હેમુભાઇ નાયક, કમલભાઈ નાયક, માનસિંગ નાયક તથા નટ બજાણીયા બાજીગર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.