ધોલેરા-ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થયો છે. પાલીતાણા-સોનગઢ હાઇવે પર બોલેરો પીકઅપ વાન પલટી મારી હતા તેમાં સવાર 6-7 લોકોને ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત તમામ લોકોને પ્રથમ પાલીતાણા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પાલીતાણાનાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં ઇજાગ્રસ્ત તમામ લોકોને પાલીતાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે હાલ અકસ્માતમાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. અકસ્માત થતાં હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
બીજા અકસ્માતમાં ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચેની સામસામી ટક્કરમાં એક મહિલા અને ત્રણ પુરુષો સહિત કુલ 5 લોકોના મોત થયા છે. અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકોના ટોળેટાળા ઉમટી પડ્યા હતા. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ધોલેરા-ભાવનગર હાઇવે પર કીયા અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગર તરફથી આવી રહેલી કિયા કાર અને ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ ધોલેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી મુજબ, એક સફેદ કલરની સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા હોવાનું, જ્યારે કીયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલીતાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકો ની ઓળખ કરવામાં આવી:-
ગોરધનભાઇ ગોબરભાઈ ડોબરીયા (સાયન્સ સિટી પાસે, અમદાવાદ)
અશોકભાઈ ગોબરભાઈ ડોબરીયા (સાયન્સ સિટી પાસે, અમદાવાદ)
ગૌરવભાઈ ગોબરભાઈ ડોબરીયા (સાયન્સ સિટી પાસે, અમદાવાદ)
તીર્થ ગૌરવભાઈ ડોબરીયા (સાયન્સ સિટી પાસે, અમદાવાદ)
દિશાબેન કિરીટભાઇ પ્રબતાણી (પાલીતાણા)