મૂડીઝ રેટિંગ એજન્સી દ્વારા પાકિસ્તાન ને સલાહ આપી હતી કે, જો ભારત સાથે યુદ્ધ તો શું નાનું સરખું છમકલું પણ થયું તો પાકિસ્તાનના અર્થતંત્રએ દેવાળું ફૂંકવાનો વારો આવી જશે. પાકિસ્તાન પાસે માંડ ૧૫ અબજ ડોલરની જ વિદેશી ચલણની અનામતો છે જ્યારે ભારત પાસે ૬૮૮ અબજ ડોલરની અનામતો છે.
મૂડીઝે જણાવ્યું હતું કે, પાકિસ્તાનને ભારતની સાથે કોઈપણ પ્રકારનો લશ્કરી સંઘર્ષ પોષાય તેમ નથી આવું કંઈપણ થયું તો તેણે રીતસરનું દેવાળું ફૂંકવાનો વારો આવશે. કોરોનાના લીધે પાકિસ્તાનનું અર્થતંત્ર પડી ભાંગ્યુ હતુ અને હાલમાં તે આઇએમએફની લોન પર જીતી રહ્યું છે. હવે જો ભારત સાથે ટૂંકા ગાળાનો પણ લશ્કરી સંઘર્ષ થાય તો પણ પાકિસ્તાનનું અર્થતંત્ર ખતમ થઈ જાય તેમ છે.
આઇએમએફે પાકિસ્તાન સાથે ૧.૩ અબજ ડોલરની ડીલ કરી છે અને તે ૩૭ મહિનાના બેઇલ આઉટ કાર્યક્રમની પ્રથમ સમીક્ષા માટે પણ તૈયાર થયું છે. ૨૮ મહિનાના નવા લોન પ્રોગ્રામ હેઠળ પાકિસ્તાનને ૧.૩ અબજ ડોલર મળી શકે છે. આ ઉપરાંત સાત અબજ ડોલરના રાહત પેકેજમાંથી તેને એક અબજ ડોલર મળી શકે છે. આ રીતે તે કુલ બે અબજ ડોલર મેળવી શકે છે. છેલ્લા ૧૮ મહિના દરમિયાન વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પાકિસ્તાને મેક્રોઇકોનોમિક સ્થિરતા અને કોન્ફિડન્સ બિલ્ડિંગના મોરચે સારી પ્રગતિ કરી છે. પાકિસ્તાનનું અર્થતંત્ર કટોકટીમાંથી બહાર આવી રહ્યું છે ત્યારે પાક.ને કેટલાક સુધારાના અમલીકરણની જરૂર છે, જે રાજકીય વિરોધોના લીધે અટવાયા છે. થોડા દિવસ પહેલાં પાકિસ્તાનના નાણાપ્રધાન મુહમ્મદ ઔરંગઝેબે આઇએમએફને ખાતરી આપી હતી કે તેમનો દેશ સાત અબજ ડોલરના સહાય કાર્યક્રમ હેઠળ સુધારા કરશે.
એક સમયે ૫૦ વર્ષ પહેલા દક્ષિણ એશિયાનો સૌથી સમૃદ્ધ દેશ પાકિસ્તાન કોવિડ પછીના ત્રણ વર્ષમાં કંગાળ થઈ ગયો હતો. તેનું કારણ ખરાબ સંચાલન અને લશ્કરી સરમુખત્યારશાહી અને આતંકવાદને પ્રોત્સાહન હતું.
પાકિસ્તાન તે બરોબર સમજે છે કે, ૨૨ એપ્રિલે જમ્મુ-કાશ્મીરનાં પહેલગાવમાં ૨૬ નિર્દોષ સહેલાણીઓની કરાયેલી નૃસંશ હત્યા પછી ભારત એકશન-મોડમાં આવી ગયું છે. ભારતના આ સંભવિત હુમલા સામે પાકિસ્તાને બચાવની પૂરેપૂરી તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. પાકિસ્તાને આ મિસાઈલ પ્રયોગો શરૂ કર્યા તે પૂર્વે ભારતને તે વિષે જાસૂસી માહિતી મળી જ ગઈ હતી. માનવીય જાસૂસીએ તો આ માહિતી આપી દીધી જ હતી. પરંતુ સેટેલાઈટ ઇમેજીઝે પણ બહુ સ્પષ્ટ ફોટોગ્રાફ્સ દર્શાવ્યા હતા.