નવી દિલ્હી,
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાડોશી દેશ પાકિસ્તાન સામે કડક પગલાં ભર્યા છે. બુધવારે સાંજે ભારતે પોતાના એર સ્પેસ પાકિસ્તાન માટે બંધ કરી દીધા અને આજે સવારે પાકિસ્તાનના ISPR ઑફિશિયલ યુટ્યુબ ચેનલને પણ ભારતમાં બ્લોક કરી દીધા છે. આ પહેલાં કેન્દ્ર સરકારે પાકિસ્તાનની અનેક હસ્તીઓના યુટ્યુબ ચેનલ અને પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X બ્લોક કરી દીધું હતું.
સમગ્ર ભારતમાં હવે ડૉન સહિત 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ બ્લોક છે. ભારતે ભારતીય સેના, ભારત સરકાર, ભારતીય સુરક્ષા એજન્સી સામે ખોટી, ભ્રામક, જૂઠી અને ભડકાઉ સૂચનાઓ પ્રસારિત કરવાને લઈને પાકિસ્તાનના યુટ્યુબ અને X હેન્ડલને ભારત માટે બ્લોક કરવાનો નિર્ણય લીધો છે.
ભારતે પાકિસ્તાન માટે પોતાના એર સ્પેસ પણ બંધ કરી દીધું છે. ભારતે આ સંદર્ભમાં 30 એપ્રિલે નોટિસ ટૂ એરમેન એટલે NOTAM પણ જાહેર કર્યું છે અને 23 મે સુધી આ લાગુ રહેશે. નોટમ જાહેર થયા બાદ પાકિસ્તાનની કોઈપણ એરલાઇનનું કોઈપણ વિમાન ભારતના એર સ્પેસમાં ઘુસી નહીં શકે. ભારતીય એર સ્પેસ બંધ થવાની પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, ભારતીય એર સ્પેસ બંધ થયા બાદ પાકિસ્તાની એરલાઇન્સને દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોમાં જવા માટે શ્રીલંકા અને ચીનના એરસ્પેસમાં એન્ટ્રી કરવી પડશે. આવું કરવાથી હવાઈ રસ્તો લાંબો થઈ જશે, જેના કારણે એરલાઇન્સનો ખર્ચ વધી જશે. ખર્ચ વધશે તો એરલાઇન્સ ટિકિટ મોંઘી કરશે, જેનો ભાર તેના ખિસ્સા પર પડશે. એરલાઇન્સ અને લોકોના ખિસ્સા પર ભારણ પડશે અને લોકોનો સમય પણ બગડશે.
તે પણ મહત્વનું છે કે, ભારતે પાકિસ્તાની કલાકારોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે, જેમાં માહિરા ખાન અને હાનિયા આમીર પણ સામેલ છે. પ્રતિબંધિત પાકિસ્તાની હસ્તીઓમાં અલી ઝફર, સનમ સઈદ, બિલાલ અબ્બાસ, ઇકરા અઝીઝ, આયઝા ખાન, ઈમરાન અબ્બાસ અને સઝલ અલીના નામ પણ સામેલ છે. પાકિસ્તાનના પ્રમુખ ચેનલ જેવા કે, હમ ટીવી, ARY ડિજીટલ અને જીયો ટીવી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.