નવી દિલ્હી,
હવામાન વિભાગે આવનાર દિવસોમાં હિમાચલ પ્રદેશ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં 25 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી વચ્ચે વરસાદ અને હિમવર્ષા થવાની આગાહી કરી છે. પંજાબ, ચંદીગઢ અને હરિયાણાના જુદા જુદા ભાગોમાં 26 થી 28 ફેબ્રુઆરી વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. પશ્ચિમ યુપી, પૂર્વ યુપી અને રાજસ્થાનમાં 27 અને 28 ફેબ્રુઆરીએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારો સિવાય, ઓડિશામાં ઘણી જગ્યાએ 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પડી શકે છે. વિભાગે અતિવૃષ્ટિને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. તે જ સમયે, ઝારખંડ, સિક્કિમ, છત્તીસગઢ, આસામ, બિહાર સહિત 7 ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 25 અને 26 ફેબ્રુઆરીએ આંદામાન અને નિકોબાર ટાપુઓના ભાગોમાં વરસાદની સંભાવના છે.
તેમજ છેલ્લા 24 કલાકમાં આસામ અને ઓડિશા સહિત ઉત્તર-પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે ઘણી જગ્યાએ વરસાદ થયો છે.