વડોદરા,
બરોડા ક્રિકેટ એસોસિએશન ની એપેક્ષ કમિટીની બેઠકમાં વર્ષ 2025-26 માટે BCAના સપોર્ટ સ્ટાફની નિમણૂકનો સર્વાનુમતે નિર્ણય થયો છે. આ ઉપરાંત જિલ્લા ક્રિકેટના વિકાસ માટે 7થી 8 એકર જમીન ખરીદવાના સૂચનને પણ સભ્યોની સહમતિ પ્રાપ્ત થઈ હતી.
બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કમિટીની મળેલ બેઠક બીસીએ હાઉસ ખાતે મળી હતી જેમાં પ્રમુખ પ્રણવ અમીને આગામી ક્રિકેટ સીઝનમાં BCA ક્રિકેટના વિકાસ માટે CACની યોજનાઓ અને વ્યૂહરચના તથા 2025-26 સીઝન માટે BCAના સપોર્ટ સ્ટાફની સૂચિત પોસ્ટિંગ વિશે સભ્યોને માહિતી આપવા પ્રમુખ પ્રણવ અમીને કિરણ મોરેનું સ્વાગત કર્યું હતું. આગામી સીઝન 2025-26 માટે સપોર્ટ સ્ટાફની નિમણૂક પ્રમુખ પ્રણવ અમીન અને કિરણ મોરે દ્વારા કાઉન્સિલના તમામ સભ્યો સમક્ષ રજૂ કરાતા તેને સર્વાનુમતે સ્વીકારવામાં આવી હતી. કિરણ મોરેએ માહિતી આપી હતી કે, ગત સીઝનમાં BCA બોયસ અને ગર્લ્સનું પ્રદર્શન સારું રહ્યું હતું, BCAની લગભગ 7 ટીમો BCCIની વિવિધ વય જૂથ ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં ક્વોલિફાય થઈ હતી, જ્યારે જિલ્લા સ્તરે ક્રિકેટ વિકસાવવા આપણે જિલ્લામાં લગભગ 7થી 8 એકર જમીન ખરીદવાની જરૂર છે, ખેલાડીઓની ફિલ્ડિંગમાં સુધારો કરવા કોચની પસંદગી કરવી , સોશિયલ મીડિયા સહિતના પ્લેટફોર્મ ઉપર ટુર્નામેન્ટના લાઇવ ટેલિકાસ્ટ માટે આયોજન કરવું જોઈએ. એપેક્સ કાઉન્સિલના સભ્યોએ BCAના કેચમેન્ટ વિસ્તારના દક્ષિણ અથવા ઉત્તર જિલ્લાઓમાં યોગ્ય જમીન શોધવા માટે આ સૂચનનું સ્વાગત કર્યું હતું. પ્રમુખ પ્રણવ અમીને માહિતી આપી હતી કે, કર્ણાટક ક્રિકેટનો વિકાસ તેમના જિલ્લાઓમાં ક્રિકેટના વિકાસને કારણે થયો છે.