નવી દિલ્હી,
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવવાની શરૂઆત કરી દીધી છે. આ દરમિયાન વધુ એક અહેવાલ એવા સામે આવ્યો હતો કે પાકિસ્તાની બે મોટી હસ્તીઓના એક્સ એકાઉન્ટ ભારતમાં બંધ કરી દેવામાં આવ્યા છે.
પાકિસ્તાની પીપલ્સ પાર્ટી (PPP) ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. ભારતે તેની પાછળનું કારણ લીગલ ડિમાન્ડ એટલે કે કાયદાકીય માગ ગણાવી હતી.

જોકે પહેલીવાર નથી જ્યારે ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ આવી કાર્યવાહી કરી હોય. અગાઉ પણ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાઝા આસિફનું એક્સ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાન સરકારના સત્તાવાર એક્સ હેન્ડલ, અનેક પાકિસ્તાની ક્રિકેટર્સ અને સેલિબ્રિટીની યુટ્યુબ ચેનલ બંધ કરી દેવામાં આવી હતી.
આ પહેલા ભારત સરકારે ભારતમાં 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ ચેનલો પર ભડકાઉ ભાષણો આપવા અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વસ્તુઓ બતાવવાનો આરોપ છે. આ ચેનલોની યાદીમાં પાકિસ્તાનની ઘણી મોટી ન્યૂઝ ચેનલો જેમ કે ડોન, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, જીઓ ન્યૂઝ અને સમા ટીવીના નામ સામેલ છે.