પહલગામ આતંકી હુમલા બાદ પીએમ મોદી સાઉદી અરેબિયાની મુલાકાત અધવચ્ચે છોડી ભારત પરત ફર્યા ત્યારે પાકિસ્તાની એરસ્પેસનો બહિષ્કાર કર્યો

સોશિયલ મીડિયા પર શેર કરો

નવી દિલ્હી,

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ નિર્દય આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સાઉદી અરેબિયાની મુલાકાત અધવચ્ચે છોડી ભારત પરત ફર્યા છે. તેમણે પરત ફરતી વખતે જ મોટો નિર્ણય લેતાં પાકિસ્તાની એરસ્પેસનો બહિષ્કાર કર્યો હતો. તેમણે પરત ફરતી વખતે પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ આતંકી હુમલામાં અત્યારસુધીમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. અને 17થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા હતાં. મોતનો આંકડો સતત વધી રહ્યો છે. 

વડાપ્રધાન મોદી મંગળવારે સાઉદી અરેબિયા ગયા હતાં. તે સમયે તેમણે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાનના હવાઈ રૂટ મારફત સાઉદી અરેબિયા ગયા હતા. પરંતુ જેદ્દાહથી પરત ફરતી વખતે તેમણે પાકિસ્તાનના હવાઈ રૂટ પર ઉડાન ભરી ન હતી. વડાપ્રધાન IAF બોઈંગ 777-300 (K7067) પાકિસ્તાન, ઓમાનના હવાઈ માર્ગે સાઉદી અરેબિયા ગયા હતાં. પરંતુ પાછા ભારત ફરતી વખતે PMનું વિમાન ઓમાન બાદ સીધું ભારતની સરહદમાં પ્રવેશ્યું હતું. ગુજરાત, રાજસ્થાનના માર્ગે નવી દિલ્હી પહોંચ્યું હતું.

મંગળવારે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ પોતાની યાત્રા અધવચ્ચે અટકાવી દીધી હતી. તેઓ નવી દિલ્હી આવવા રવાના થયા હોવાની માહિતી ઈન્ટેલિજન્સે આપી હતી. દિલ્હી પરત ફરતાં જ એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ. જયશંકર, વિદેશ સચિવ વિક્રમ મિસ્રી અને સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મહત્ત્વની બેઠક કરી સંપૂર્ણ માહિતી મેળવી હતી. ત્યારબાદ તેઓ પીએમઓ જવા રવાના થયા હતાં. વડાપ્રધાને આ ઘાતકી આતંકી હુમલો કરનારા આતંકીઓ વિરૂદ્ધ આકરાં પગલાં લેવાનો સંકેત આપ્યો હતો. આજે સાંજે છ વાગ્યે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક યોજાશે. પહલગામની બૈસરન ખીણમાં ગઈકાલે બુધવારે સાંજે અચાનક આતંકવાદીઓ ત્રાટક્યા હતા. તેમણે પ્રવાસીઓ અને સ્થાનિકોને ટાર્ગેટ બનાવી અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. જેમાં લોકોને નામ અને ધર્મ પૂછીને નિશાન બનાવવામાં આવ્યા હતાં. અત્યારસુધી આ હુમલામાં 26 લોકોના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *