તાઇવાન,
ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા ફરી એકવાર તાઇવાન નજીક મોટા પાયે લશ્કરી કવાયત શરૂ કરી છે. ચીનની આ કાર્યવાહી પર તાઇવાનએ પણ કડક પ્રતિક્રિયા આપી છે.
ચીની સેનાએ મંગળવારે તાઈવાનની આસપાસના પાણી અને હવાઈ ક્ષેત્રમાં મોટા પાયે લશ્કરી કવાયત હાથ ધરી હતી. પીપલ્સ લિબરેશન આર્મીના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા શી યીના જણાવ્યા અનુસાર, આ લશ્કરી કવાયતમાં નૌકાદળ, વાયુસેના અને રોકેટ ફોર્સ સામેલ હતા અને તેનો હેતુ તાઇવાનની સ્વતંત્રતાને કડક ચેતવણી આપવાનો હતો. હવે ચીનના આ લશ્કરી કવાયત પર તાઇવાનની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
“ચીનની સ્પષ્ટ લશ્કરી ઉશ્કેરણી માત્ર તાઇવાન સ્ટ્રેટમાં શાંતિ માટે જોખમી નથી, પરંતુ સમગ્ર ક્ષેત્રમાં સુરક્ષાને પણ નબળી પાડે છે,” તાઇવાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું. અમે ચીનના આક્રમક વર્તનની સખત નિંદા કરીએ છીએ.
તાઇવાનના સંરક્ષણ પ્રધાન વેલિંગ્ટન કૂએ કહ્યું, “હું કહેવા માંગુ છું કે આ કાર્યવાહી પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને નષ્ટ કરી શકે છે.” કૂએ કહ્યું કે તાઇવાનએ આવી કવાયતો પર નજર રાખવા માટે એક કેન્દ્રીય જૂથની સ્થાપના કરી છે. તાઇવાન ચીનની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે.
ત્યારે, ચીનની સ્થાનિક મીડિયાના એક અહેવાલમાં જણાવ્યું હતું કે પૂર્વીય થિયેટર કમાન્ડે ‘તાઇવાન ટાપુના ઉત્તર, દક્ષિણ અને પૂર્વમાં પાણીમાં વ્યાપક કવાયત’ હાથ ધરી છે. કમાન્ડે જણાવ્યું હતું કે લશ્કરી કવાયતનો ઉદ્દેશ્ય “સૈનિકોની સંકલિત કામગીરી હાથ ધરવા, ઓપરેશનલ નિયંત્રણ મેળવવા અને ચોક્કસ હુમલાઓ કરવા માટેની ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનો” હતો.