ગાંધીનગર,
ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આજથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ પાનસેરિયા , ધારાસભ્યશ્રી રીટાબેન પટેલક,લેકટર શ્રી ગાંધીનગર, મેહુલ કે. દવે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે પટેલે રેડિયન સ્કૂલ ઓફ એક્સિલન્સી, સરગાસણ, ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
આ શુભેચ્છા સમારંભ અંતર્ગત રાજ્યભરના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપતા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, પરીક્ષાને ઉત્સવ સમજી નિશ્ચિત રહી ,ભય મુક્ત બની પરીક્ષા આપો. સરકાર શિક્ષણ વિભાગ તથા વહીવટી તંત્ર તરફથી પણ મંત્રી શ્રી એ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. સાથે તેમણે જણાવ્યું હતું કે, સફળતાપૂર્વક પારદર્શક રીતે થયેલી વ્યવસ્થામાં સકારાત્મક ઉર્જા સાથે પરીક્ષા આપી ઉજ્જવળ ભવિષ્ય તરફ ડગ માંડો, કોઈપણ જાતની અવ્યવસ્થા સર્જાય તો આરોગ્ય વિભાગથી માંડી પોલીસ તંત્ર સુધી બધા જ ખડે પગે વ્યવસ્થામાં હાજર છે.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનસેરીયાએ તનાવ મુક્ત રહી પરીક્ષા આપવા જણાવતાં ઉમેર્યું હતું કે, રાજ્યના 14 લાખથી વધુ દીકરા દીકરીઓ આજે જ્યારે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે વાલીઓ, શિક્ષકો અને સરકાર દરેકની અપેક્ષા એવી હોય છે કે, આપણા બાળકો હસતા, ખેલતા, કુદતા તનાવ મુક્ત બની પરીક્ષા આપે.અને જો એકાદ પેપર સારું ન જાય તો એક મહિના પછી બીજી વાર વિદ્યાર્થીને સફળ થવાનો મોકો આપવા, સરકારની નવી શિક્ષા નીતિમાં જોગવાઈ કરવામાં આવી છે. માટે કોઈપણ જાતની ચિંતા વગર તના મુક્ત બનીને પરીક્ષા આપશો તો બોર્ડની પરીક્ષા નું પરિણામ ચોક્કસ સારું આવશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, બોર્ડની પરીક્ષા એ પૂર્ણવિરામ નથી, માત્ર અલ્પવિરામ છે. અહીંથી કારકિર્દીની નવી શરૂઆત થાય છે જેના માટે તેમણે બધા જ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવે દ્વારા પણ કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં ધોરણ ૧૦ના કુલ ૨૫,૦૭૨ વિદ્યાર્થીઓનીની પરીક્ષા કુલ ૩૩ કેન્દ્રોમાં લેવાશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના કુલ ૧૨,૬૮૪ વિદ્યાર્થીઓનીની પરીક્ષા કુલ ૧૬ કેન્દ્રોમાં લેવાશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના કુલ ૪,૪૩૩ વિદ્યાર્થીઓનીની પરીક્ષા કુલ ૪ કેન્દ્રોમાં લેવાશે. આમ, જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ના કુલ ૪૨,૧૮૯ વિદ્યાર્થીઓનીની પરીક્ષા કુલ ૫૩ કેન્દ્રોમાં ૧૫૭ બિલ્ડિંગ્સના ૧,૫૩૩ બ્લોક અંતર્ગત લેવાશે.