જાફરાબાદથી 18 નોટિકલ માઈલ દૂર મધ દરિયામાં ભારે પવન અને વરસાદના કરને જાફરાબાદ અને રાજપરાની બે બોટ દરિયામાં ડૂબી

સોશિયલ મીડિયા પર શેર કરો

અમરેલી,

હાલ આખા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જાફરાબાદથી આશરે 18 નોટિકલ માઈલ દૂર મધ દરિયામાં ભારે પવન અને વરસાદે તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે, જેને પગલે જાફરાબાદ અને રાજપરાની બે બોટ દરિયામાં ડૂબી ગઈ છે. જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ, ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ બંને બોટ પાણીમાં ડૂબી ગઈ છે. આ બંને બોટમાં 9-9 ખલાસીઓ સવાર હતા.

આ બંને બોટના 4-4 ખલાસી હાલમાં લાપતા બન્યા છે અને બંને બોટના 5-5 ખલાસીઓને અન્ય બોટ ધારકોએ રેસ્ક્યુ કરીને બચાવી લીધા છે. રાજપરા અને જાફરાબાદની બંને બોટના કુલ 8 ખલાસીઓની મધ દરિયામાં શોધખોળ શરૂ કરવામાં આવી છે. માછીમારી કરવા ગયેલા તમામ માછીમારોને વાતાવરણના કારણે પરત બોલાવી લેવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી તાત્કાલિક કોસ્ટગાર્ડને પણ આપવામાં આવી છે પરંતુ મધ દરિયામાં ખરાબ વાતાવરણના કારણે હેલીકૉપટર આવી શકે તેમ નથી. 

તો બીજી બાજુ કેન્દ્રશાસિત પ્રદેશ દીવની એક બોટએ મધ દરિયે જળસમાધિ લીધી છે. હાલ દીવ ખાતે માછીમારીની સિઝનની શરૂઆત થઈ છે અને ઘણી બધી બોટ દરિયામાં ફિશિંગ માટે નીકળી છે. ત્યારે ગત રાત્રીએ અચાનક જ ગાજવીજ અને પવન સાથે વરસાદ આવતા દીવના વણાકબારાની એક બોટે દીવથી દુર મધદરિયે જળસમાધિ લીધી હતી. ભારે પવન અને વરસાદથી આ બોટ દરિયામાં ડુબી હતી, જેમા રહેલા 7 ખલાસી અને એક ટંડેલને અન્ય તેમના સંબંધીઓની બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે, જેને દીવના વણાકબારા દરિયા કિનારે લાવવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *