નવી દિલ્હી,
દિલ્હી હાઇકોર્ટ જસ્ટિસ યશવંત વર્માના ઘરે આગ લાગવાની ઘટનામાં ફાયર ઓફિસરોને મોટી માત્રામાં રોકડ મળી હોવાના મુદ્દે હવે એક નવો વળાંક આવ્યો છે જેમાં દિલ્હીના ફાયર વિભાગના પ્રમુખ અતુલ ગર્ગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, જજ યશવંત વર્માના ઘરમાં કોઈ કેશ ( રોકડ ) મળી જ નથી.
મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં દિલ્હી ફાયર વિભાગના ચીફે જણાવ્યું હતું કે, ’14 માર્ચે રાતના 11.35 વાગ્યે આગની સૂચના મળતા જ અગ્નિશામક દળની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. સ્ટેશનરી અને ઘરેલુ સામાનવાળા એક સ્ટોર રૂમમાં આ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવામાં 15 મિનિટ લાગી. આગ ઓલવ્યા બાદ પોલીસને સૂચના આપવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે આગ સમયે કોઈ જ રોકડ રકમ મળતી નથી.
બીજી તરફ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એક પ્રેસનોટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જસ્ટિસ યશવંત વર્માની બદલી અંગે ખોટી માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. જસ્ટિસ યશવંત વર્માની બદલી કી દંડાત્મક કાર્યવાહી નથી. આંતરિક તપાસ અને બદલીને કોઈ લેવા દેવા નથી.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે વિવાદ વધતાં 21 માર્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી હતી. પ્રેસનોટ અનુસાર આ કેસમાં દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આજે ( 21 માર્ચ, 2025) જ રિપોર્ટ રજૂ કરશે. સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ઈન-હાઉસ તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે આ મામલે અમુક અહેવાલોમાં ખોટી સૂચનાઓ ફેલાવવામાં આવી રહી છે. જસ્ટિસ યશવંત વર્માની બદલીનો પ્રસ્તાવ સ્વતંત્ર છે અને આંતરિક તપાસ અલગથી ચાલી રહી છે.